સામાજિક પહેલ: પાટીદાર સમાજ સમૂહ લગ્નમાં દીકરીને આપશે 5 લાખનો કરિયાવર, દરેક યુગલને10 ગ્રામ સોનાની લગડી સહિત સોનાની વસ્તુઓ
દરેક યુગલને સોના ચાંદીના ઘરેણાંથી માંડીને ઘર વપરાશની વસ્તુઓ આપવામાં આવશે. દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારોને મદદ કરીને સામાજિક એકતાની મિસાલ રજૂ કરવામાં આવે છે.

ગુજરાતમાં સમૂહ લગ્નને હંમેશાં સારો આવકાર મળતો હોય છે, નજીવા ખર્ચે જરૂરિયાતમંદ યુગલો પ્રભુતામાં પગલાં માંડે તે માટે વિવિધ સમાજ હંમેશાં આગળ આવતા હોય છે ત્યારે આ બાબતમાં અગ્રેસર પાટીદાર સમાજે ફરીથી નવી પહેલ કરી છે. દસકોશી પાટીદાર સમાજ દ્વારા અમદાવાદમાં 23 ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 46 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને દીકરીઓને અહીં 5 લાખ જેટલો કરિયાવર પણ આપવામાં આવશે.
આ સમૂહ લગ્ન અંગે દશકોશી પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ જે. પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્ન આયોજિત થાય છે. આ વર્ષે આ 24મું વર્ષ છે ત્યારે આ લગ્ન માટે અંદાજિત 40 લાક જેટલું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં દરેક યુગલને 5 લાખનો કરિયાવર આપવામાં આવશે.
દરેક યુગલને સોના ચાંદીના ઘરેણાંથી માંડીને ઘર વપરાશની વસ્તુઓ આપવામાં આવશે. દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારોને મદદ કરીને સામાજિક એકતાની મિસાલ રજૂ કરવામાં આવે છે.
સમૂહ લગ્નમાં મળશે આ પ્રમાણેનો કરિયાવર
દરેક યુગલને સમાજ તરફથી 10 ગ્રામ સોનાની લગડી 200 ગ્રામની ચાંદીની પાયલ બે ચાંદીના સિક્કા 4 સોનાની ચૂની ફ્રીઝ ઘરઘંટી LED ટીવી વોશિંગ મશીન તિજોરી અન્ય ઘરખરીની વસ્તુઓ
ગુજરાતમાં છે સમૂહ લગ્નની આગવી પહેલ
નોંધનીય છે કે ગુજરાતની વિવિધ જ્ઞાતિઓમાં સમૂહ લગ્નની પરંપરા છે જ્ઞાતિના મોવડી મંડળ દ્વારા જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકો માટે સમૂહ લગ્નની વ્યવસ્થા આયોજિત કરવામાં આવે છે. તેના કારણે જે પરિવારો આર્થિક રીતે નબળા છે તે આ પ્રકારે લગ્ન કરીને ઓછા ખર્ચમાં લગ્ન પ્રસંગની ઉજવણી કરી શકે છે. ઘણી વાર એવું પણ થાય છે કે અન્ય લોકો સામે દાખલો બેસાડવા માટે શ્રીમંત પરિવારના પુત્ર પુત્રીઓ પણ સમૂહ લગ્ન દ્વારા જ નવ જીવનની શરૂઆત કરતા હોય છે.
નોંધનીય છે કે રાજકોટમાં પણ લગ્નમાં દારૂનું દૂષણ ન વકરે તે માટે એક પિતાએ કંકોતરીમાં જ દારૂ પીને ન આવવા માટે સૂચન કર્યું છે આ કંકોતરી હાલમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે અને માધ્યમોમાં આ કંકોતરીની નોંધ પણ લેવામાં આવી છે. કોઈનો લગ્ન પ્રસંગ ન બગડે તે માટે રાજકોટના હડાળાના એક વ્યક્તિએ કંકોતરીમાં આ પ્રકારનું સૂચન કર્યું હતું.