Ahmedabad: 11 થી 13 માર્ચ દરમિયાન RSSની પ્રતિનિધિ બેઠક, સંઘના ટોચના નેતાઓ થશે સામેલ
આ બેઠકમાં RSSની આગામી વર્ષો માટેની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને પણ આખરી ઓપ આપવામાં આવશે.
Ahmedabad : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ મહિને અમદાવાદમાં (Ahmedabad) તેની ત્રણ દિવસીય વાર્ષિક ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’નું આયોજન કરશે. જેમાં તેના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સહિત અન્ય ટોચના નેતાઓ સામેલ થશે. ગુરુવારે સવારે RSS દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 11 માર્ચથી 13 માર્ચ સુધી યોજાનારી વાર્ષિક બેઠકમાં સંગઠનના તમામ પદાધિકારીઓ ભાગ લેશે, જેમાં તેના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, સહકાર્યવાહ મનમોહન વૈદ્ય અને અન્ય નેતાઓનો સમાવેશ થયા છે.
RSSના નિર્ણય લેવાની દૃષ્ટિએ બેઠક મહત્વપૂર્ણ
અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે, આ બેઠક RSSના નિર્ણય (RSS Party) લેવાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં આગામી વર્ષો માટેની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને પણ આખરી ઓપ આપવામાં આવશે. જેમાં RSSના તમામ પદાધિકારીઓ ભાગ લે તેવી શક્યતા છે. બેઠકમાં ગત વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ, સંઘની આગામી વર્ષની કાર્ય વિસ્તરણ યોજના, સંઘ શિક્ષણ વર્ગ અને સંબંધિત વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, આંબેકરે કહ્યું કે પ્રાંતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ પ્રાદેશિક અને રાજ્ય સ્તરના સંઘચાલકો, કાર્યવાહ, પ્રચારકો સાથે અખિલ ભારતીય સંગઠનના મંત્રીઓ અને સંઘથી પ્રેરિત વિવિધ સંગઠનોના તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. તેમણે એમ પણ કહ્યું કે કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરીને બેઠક યોજવામાં આવશે.
વિગતવાર ચર્ચા થશે
સંઘની આ મહત્વપૂર્ણ બેઠક એવા સમયે શરૂ થઈ રહી છે જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 2025માં સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ અને સંઘની પૂર્ણાહુતિ અંગે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ સાથે સંઘના કાર્યકરો સહિત સંગઠનોને જિલ્લા સ્તરે યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ બેઠકમાં આ વિષય પર પણ વિચાર કરવામાં આવશે. જેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર, તમિલનાડુ અને પર્વતીય વિસ્તારોમાં વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે.