બોલીવુડની ફિલ્મ હતી હિન્દી મીડીયમ કે જેમાં પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં તેમના બાળકને સારી ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ હોવાનું તરકટ રચીને RTE હેઠળ બાળકને એડમિશન અપાવે છે. આવા જ પ્રકારના કિસ્સાઓ અમદાવાદમાં રીયલ લાઇફમાં પણ સામે આવ્યા છે. શહેરી વિસ્તારમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ. પરંતુ કેટલાક વાલીઓ આ નિયમને નેવે મુકીને ખોટા દસ્તાવેજ બનાવી, પોતાની આવક છુપાવીને બાળકને RTE હેઠળ એડમિશન અપાવી રહ્યા છે. ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવી લીધેલા આવા વિદ્યાર્થીઓના વાલીઓના દસ્તાવેજો શાળાઓને ધ્યાને આવતા તેમણે DEO કચેરીમાં સબમિટ કર્યા હતા. જેમના હિયરિંગ બાદ આખરે DEO કચેરીએ આવા 140 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો છે.
નિયમ મુજબ RTE હેઠળ પ્રવેશ મેળવતા વાલીએ અંડરટેકિંગ આપવાનું હોય છે કે તેઓ ઈન્કમટેક્સ નથી ભરતા અને આવક દોઢ લાખ કરતા ઓછી છે. આવક ઓછી હોવાનો દાખલો પણ આપવાનો હોય છે. જે સરળતાથી મળી જતો હોય છે. પ્રવેશ મેળવતા સમયે ખોટા દસ્તાવેજો રજૂ કરતા વાલીઓની અમીરી છુપાતી નથી હોતી અને શાળાઓ જ્યારે તપાસ કરાવતી હોય છે ત્યારે તેમની આવક દોઢ લાખ કરતા વધારે હોવાનું સામે આવતું હોય છે. અમદાવાદની આર પી વસાણી શાળાએ આપેલ ડોક્યુમેન્ટ મુજબ તેમની શાળામાં પ્રવેશ મેળવનાર 11 વિદ્યાર્થીઓના વાલીઓની આવક 4 લાખથી લઈ 24 લાખ લાખ રૂપિયા સુધીની હોવાનું તપાસમાં સામે આવ્યું. આવા વાલીઓના બાળકોના પ્રવેશ રદ્દ કરવાનો તો નિર્ણય લેવાઈ ગયો છે. સાથે જ શાળા ઈચ્છે તો ખોટા ડોક્યુમેન્ટ બદલ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી પણ થઈ શકે.
આ પ્રકારે કેટલાક વાલીઓ પોતાના બાળકને શહેરની સારી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો હક્ક છીનવી રહ્યા છે. આવા વાલીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે તો જ આ પ્રકારની ઘટનાઓ અટકશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો