વસ્ત્રાલમાં સિક્યુરિટી ગાર્ડ પર રિક્ષા ચડાવી દઈ મોત નિપજાવનાર ઝડપાયો, ક્રૂરતા પૂર્વક કચડતાં મોત નિપજ્યું
વસ્ત્રાલમાં એક સિક્યુરીટી ગાર્ડને પ્રમાણિકતાથી કામ કરવાની મળી સજા. સોસાયટીમાં પ્રવેશ કરતા રિક્ષા ચાલકને સિક્યોરિટી ગાર્ડ અટકાવી એન્ટ્રી કરવાનું કહેતા રીક્ષા ચાલકે સિક્યુરીટી ગાર્ડ પર રિક્ષા જ ચડાવી દઈને ક્રૂરતા પૂર્વકનો હુમલો કર્યો હતો. જે બાદ સારવાર દરમિયાન સિક્યુરીટી ગાર્ડનું મોત થતા રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા પ્રણામી બંગ્લોઝમાંથી પેસેન્જર દ્વારા રિક્ષા ઓનલાઈન એપ્લિકેશન આધારે બુક કરાવી હતી. જેના આધારે એક રિક્ષા સોસાયટીના ગેટ પર પહોંચી હતી. જે રિક્ષાને સોસાયટીમાં જવા માટે એન્ટ્રી કરવાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યુ હતું. પરંતુ રિક્ષાના ચાલકે મનમાની કરીને ઘર્ષણ સર્જી દીધુ હતું.
આ પણ વાંચોઃ વેસેલિનની નાનકડી ડબ્બી છે ખૂબ કામની, સ્કિન ડ્રાય થી રોકવા સાથે આ 5 રીતે ઉપયોગ કરી શકાય છે, જુઓ
બે દિવસ અગાઉ આ ઘટનામાં વસ્ત્રાલના પ્રણામી બંગ્લોઝમા સિક્યુરીટી ગાર્ડ પર એક રીક્ષા ચાલકે રિક્ષા ચઢાવીને જીવલેણ ઈજા પહોચાડી હતી. જે હુમલામાં ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સિક્યોરિટી ગાર્ડનું મોત થતા રામોલ પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ હત્યાની કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરી છે.
રજીસ્ટરમાં નોંધણીનો કર્યો વિરોધ
રિક્ષા ચાલક મનીષ સૈની રેપિડોમાં ઓટો રિક્ષા ચલાવે છે. જે પ્રણામી બંગલોઝ માં રહેતા પ્રમોદભાઇ મહેશ્વરીના ઘરના સભ્યોને રેલવે સ્ટેશન જવાનું હોવાથી તેમણે રેપિડો એપ્લીકેશન મારફતે ઓનલાઇન રીક્ષા બુક કરાવી હતી. રિક્ષા બુક કરાવ્યા બાદ ચાલક પેસેન્જરને લેવા આવ્યો હતો. જોકે નિયમ પ્રમાણે સિક્યુરિટી ગાર્ડએ રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. રિક્ષા ચાલકએ સિક્યુરિટી ગાર્ડ નરેશ મોદી પર રિક્ષા ચઢાવીને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું છે. જે ગુનામાં પોલીસે આરોપી મનીષ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.
સિક્યુરિટી ગાર્ડ નરેશ મોદી પર હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેને લઈ રામોલ પોલીસે તથા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને રેપિડો કંપનીમાંથી રિક્ષા ચાલકની માહિતી મેળવી તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. ગત રોજ આરોપી મનીષ સૈની રિક્ષા લઈને રામોલ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે સમયે તેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સાથે જ રેપીડો એપ્લિકેશન માંથી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન આરોપી રામોલ વિસ્તારનો જ રહેવાસી અને છેલ્લા થોડા સમય પહેલા જ યુપી થી અમદાવાદ આવ્યો હોવાની કબુલાત કરી છે. જેથી આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે..
પ્રમાણિકતાથી નોકરી કરનાર સિક્યુરિટી ગાર્ડને વળતરમાં મોત મળતા લોકોમાં અને પરિવારમાં રોષની લાગણી છે. તો બીજી તરફ પરિવાર માંગ કરી રહ્યું છે કે, આવા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ નિર્દોષ પર હુમલો કરતા આરોપી 100 વખત વિચાર કરે.