અમદાવાદમાં કાલુપુરમાં ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીની રેલવે પોલીસે કરી ધરપકડ
Ahmedabad: કાલુપુરમાં ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 25 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ઓછી મહેનતે શોર્ટકટથી પૈસાદાર થવા ટ્રક ડ્રાઈવર પેડલર બન્યો.
અમદાવાદના કાલુપુરમાં ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 25 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવર ગાંજાની હેરાફેરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ઓછી મહેનતે શોર્ટકટથી પૈસાદાર થવા ટ્રક ડ્રાઈવર પેડલર બન્યો હતો. રેલવે પોલીસે પ્રમેશકુમાર રામ પાસવાન નામના આરોપીની ધરપકડ કરી છે. જે ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે. કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 1 પર રેલવે પોલીસ ચેકિંગમાં હતી, ત્યારે ટ્રેનમાંથી બેગ લઈને આવી રહેલા પ્રમેશકુમાનું વર્તન શંકાસ્પદ લાગતા રેલવે પોલીસે તપાસ કરી હતી. તેની બેગમાંથી જૂદા જૂદા પાર્સલમાં 25 કિલો ગાંજો મળી આવ્યો હતો. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને ગાંજો જપ્ત કર્યો હતો.
આરોપી ઓરિસ્સાની વેદાંતા કંપનીમાં ટ્રક ડ્રાઈવર
પકડાયેલ આરોપી પ્રમેશકુમાર રામપાસવાન મૂળ બિહારનો રહેવાસી છે અને ઓરીસ્સામાં આવેલી વેદાંતા કંપનીમાં ટ્રક ડ્રાઈવર છે. આરોપી કોલસાની ટ્રક ચલાવતો હતો. જેથી તેના મિત્ર સુરેશ કેસરીએ ગાંજાનો ધંધો કરીને સારી કમાણીની લાલચ આપી હતી અને ગાંજાના વેપારી સંતલાલ ઉર્ફે સંતભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો. પૈસાની લાલચમાં આરોપી પ્રમેશકુમારે ગાંજાની હેરાફેરી શરૂ કરી. તે ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવતો હતો અને જુદા જુદા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા લોકોને પહોંચાડતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ પાંચથી છ વખત ગાંજાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યુ છે.
રેલવે પોલીસે ગાંજા કેસમાં આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત ઓરીસ્સાના સુરેશ કેસરી અને સંતલાલની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી.
પુરી થી અમદાવાદ આવતી જતી ટ્રેનમાં અવાર નવાર ગાંજાનો જથ્થો મળી આવે છે જેને લઈ રેલવે પોલીસ દ્વારા આ ટ્રેનની સ્પેશિયલ ચેકિંગ કરતા હોય છે..જોકે ઘણી વખત પોલીસનું ચેકિંગ વધારે હોય તો ગાંજાનો જથ્થો ટ્રેનમાં મૂકીને જતા રહે છે જેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો અનેક વખત મળી આવ્યો છે..આમ એવું કહેવાય છે કે પુરી ટ્રેનમાં ગાંજાનો જથ્થો એક અઠવાડિયા માં એક વખત ગુજરાત અલગ અલગ શહેરમાં પહોંચતો હોય છે..જેથી દર વર્ષે લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો મળી આવતા કેસ કરીને કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ કેરિયર તરીકે કામ કરતા લોકો પકડાય છે પણ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી શકતી નથી.