રાજકીય પક્ષો હવે શહેરની દિવાલો પર પાર્ટીના સિમ્બોલ ચિતરી શકશે નહીં, દિવાલ ચિતરશે તો AMC કરશે કાર્યવાહી
અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અમદાવાદ શહેરમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના પાર્ટી સિમ્બોલ સરકારી કે અન્ય દિવાલો ઉપર ચીતરી નહીં શકે.
વિધાનસભા ચૂંટણી (Assembly elections) નજીકમાં છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પાર્ટીઓ શહેરમાં ઠેર ઠેર પાર્ટીના સિમ્બોલ દિવાલો અને બ્રિજના પીલરો ઉપર ચિતરાવતા હોય છે. જો કે ભાજપ (BJP) હોય, કોંગ્રેસ (Congress) હોય, આમ આદમી પાર્ટી (AAM ADAMI PARTY) હોય કે પછી ભલે અન્ય કોઈ પક્ષ હોય, તે દિવાલો પર પોતાના પાર્ટીનું સિમ્બોલ ચિતરાવી શકશે નહીં. હવે આ પાર્ટીઓ દિવાલો ચિતરીને પોતાના પક્ષનો પ્રચાર કરી શકશે નહીં. જો તેમ કરશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. કોર્પોરેશન નું માનવું છે કે આ પ્રકારના કાર્યથી અમદાવાદ શહેરમાં સરકારી તેમજ અન્ય પ્રોપર્ટીના રંગ રોગાનને નુકસાન થાય છે. શહેરની મિલકતોને આ પ્રકારે નુકસના ન થાય તે ખૂબ જરૂરી હોવાનું AMCનું માનવુ છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.
AMCએ શું નિર્ણય કર્યો ?
અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અમદાવાદ શહેરમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના પાર્ટી સિમ્બોલ સરકારી કે અન્ય દીવાલો ઉપર ચીતરી નહીં શકે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદની દિવાલો પર ચિતરાયેલા રાજકીય પક્ષોના સિમ્બોલ તેના પર બીજો કલર કરીને તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે કામગીરી પાછળ એક ઝોનમાં દસ લાખનો ખર્ચ અંદાજે મળી કુલ સાત ઝોનમાં 70 લાખના અંદાજિત ખર્ચમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.
જોકે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખર્ચ બાબતે કોઈપણ ફોડ ન પાડી કામગીરી કરાઈ રહી હોવાનું રટણ રટ્યું હતું. તેમજ જો કોઈપણ પાર્ટી ફરી આવું કાર્ય કરે તો તેની સામે કયા પ્રકારની દંડકીય કાર્યવાહી કરવાની છે તે મામલે પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોઈ પણ માહિતી આપી ન હતી.
હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ શહેરમાં ચીતરવામાં આવેલા વિવિધ પાર્ટીના લોગો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં છે. જોકે હવે જોવાનું એ રહે છે કે ફરીવાર આ પાર્ટીઓ જ્યાં ત્યાં સિમ્બોલ ચીતરશે તો તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા પ્રકારની દંડકીય કાર્યવાહી કરશે, કે પછી આ કાર્યવાહીની વાત માત્ર કાગળ પર જ રહી જાય છે.