મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને 51 લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી
વારાણસીમાં સમાપ્ત થયેલી નવદિવસીય 'માનસ સિંદૂર' રામકથાના અંતિમ દિવસે, પૂજ્ય મોરારી બાપુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારોને ૫૧ લાખ રૂપિયાની સહાય જાહેર કરી.

વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ₹૫૧ લાખની સહાય રાશિની જાહેરાત કરી છે.
આ સહાય રાશિ લંડન નિવાસી રમેશભાઈ સચદેવ તરફથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના માધ્યમથી આપવામાં આવશે. બાપૂએ આ સહાય આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરી છે.
બાપૂએ જણાવ્યું કે, “રમેશભાઈ એ આ ખુબજ દુઃખદ દુર્ઘટનાના પીડિતો માટે 51 લાખની રકમ અર્પણ કરવાનો ઉદાર નિર્ણય કર્યો.”
બાપૂએ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવતી બચી જવાના સમાચાર વિષે વાત કરતા જણાવ્યું હતું કે, “મેં વાંચ્યું કે એક માણસ વિમાનમાંથી કૂદી બચી ગયો. જ્યારે એક સામાન્ય માનવી આવું કરી શકે, તો મારો હનુમાન શું નહીં કરી શકે?”
‘માનસ સિંદૂર’ કથા પહેલગામની બહેનો-દીકરીઓ ને સમર્પિત
મોરારી બાપૂએ વારાણસીમાં પૂર્ણ થયેલી નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાને પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલાઓના પરિવારજનોને સમર્પિત કરી હતી. કથાના અંતિમ દિવસે બાપૂએ જણાવ્યું કે, “શ્રી હનુમાનજીને વિદાય આપતાં પહેલાં આ નવદિવસીય રામકથા ‘માનસ સિંદૂર’ અર્પણ કરું છું.
તેમણે કહ્યું, પહેલગામમાં જેમનું પવિત્ર સિંદૂર ક્રૂરતાપૂર્વક છીનવાઈ ગયું એ બહેનો અને દીકરીઓને અને તેમના પરિવારોને સમર્પિત કરું છું. ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી રૂપે ‘ઓપરેશન સિંદૂર’ નો પ્રયોગ કર્યો . તો હું આ કથાને તે ‘ઓપરેશન સિંદૂર’ ને પણ સમર્પિત કરું છું.”