Kheda: ધન અને શ્રમ બચાવીને પૃથ્વીનું સંવર્ધન કરતી પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને પુનઃ ‘ સોને કી ચીડિયા ‘ બનાવી શકાશેઃ રાજ્યપાલ

રાજ્યપાલએ દેવવ્રતજીએ પોતાની આગવી અને રસાળ શૈલીમાં ખેડૂતોને કેવી રીતે પ્રાકૃત્તિક ખેતી કરવી તથા તેનાથી થતા આર્થિક, શારીરિક સ્વાસ્થ્ય તથા પર્યાવરણમાં થતા ફાયદાઓ અંગે ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.

Kheda: ધન અને શ્રમ બચાવીને પૃથ્વીનું સંવર્ધન કરતી પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને પુનઃ ' સોને કી ચીડિયા ' બનાવી શકાશેઃ રાજ્યપાલ
Seminar on "Natural Agriculture - Surrender to Nature"
Dharmendra Kapasi

| Edited By: kirit bantwa

Jul 05, 2022 | 8:30 PM

ખેડા (Kheda) જિલ્લામાં નડીયાદ ખાતે રાજ્યપાલ (Rajyapal) આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં “પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે” પરીસંવાદ યોજાયો. વડાપ્રધાનના ખેડૂતો (Farmer) ની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા અને ખેડા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં આ પરીસંવાદમાં હાજર રહ્યા હતા. આ પરીસંવાદના માધ્યમથી ગામ દીઠ 75 ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ- પ્રકૃતિના શરણે પરીસંવાદ અંતર્ગત રાજ્યપાલએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃત્તિક ખેતી દ્વારા મેળવેલ ઉત્પાદોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રાજ્યપાલએ દેવવ્રતજીએ પોતાની આગવી અને રસાળ શૈલીમાં ખેડૂતોને કેવી રીતે પ્રાકૃત્તિક ખેતી કરવી તથા તેનાથી થતા આર્થિક, શારીરિક સ્વાસ્થ્ય તથા પર્યાવરણમાં થતા ફાયદાઓ અંગે ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નડિયાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે’ પરિસંવાદમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી ખેતીને ઝેરમુક્ત બનાવી, દેશ-દુનિયા માટે આદર્શરૂપ બને. રાજ્યપાલએ આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે પ્રત્યેક ગામના ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેઓ આગ્રહ પણ કર્યો હતો. રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું હતું કે હવે ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવાનો સમય આવી ગયો છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે ભારતના ખેડૂત અને કૃષિ આત્મનિર્ભર બનશે ત્યારે ભારત દેશ આત્મનિર્ભર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણિક કૃષિને તિલાંજલી આપી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે, કારણ કે પ્રાકૃતિક કૃષિ જ ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ પ્રકૃતિથી દૂર જવાની સજા ભોગવી રહ્યું છે. રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યા છે. જંતુનાશકોના ઝેરથી, દૂષિત આહાર આરોગવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના લોકો ભોગ બની રહ્યા છે. આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીન બંજર બનતી જાય છે. તેઓએ જણાવ્યું હતું કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24% જેટલો ફાળો છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી

રાજ્યપાલએ જણાવ્યું હતું કે આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિ હેઠળ રાસાયણિક કૃષિ અપનાવી દેશની અન્ન સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાયો છે. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે રાસાયણિક કૃષિનો વિકલ્પ શોધવો આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ ગણાવી રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે જંગલમાં વનસ્પતિ-વૃક્ષોને કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી, છતાં તેમની વૃદ્ધિ-વિકાસ બરાબર થાય છે. જંગલમાં પ્રાકૃતિક રીતે વૃક્ષોનો વિકાસ થાય છે એ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે પાક વિકસે એ જ પદ્ધતિ પ્રાકૃતિક કૃષિ છે.

રાસાયણિક કૃષિને કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટતી રહી છે

રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિને કારણે જમીનના મિત્ર સૂક્ષ્મ જીવો અને અળસીયા જેવા મિત્ર જીવો નાશ પામ્યા જેના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટતી રહી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરોની સબસીડી રૂપે વાર્ષિક ₹ ૧,૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો આર્થિક બોજ ઉઠાવે છે. રાજ્યપાલે જળ, જમીન અને પર્યાવરણની રક્ષા માટે, સ્વાસ્થ્યપ્રદ આહાર માટે તેમજ ખેડૂતોની સમૃદ્ધિ માટે, પ્રાકૃતિક કૃષિને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવો હોય છે. જ્યારે ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં વાવણી સમયે દેશી ગાયના છાણ, ગૌમૂત્રથી તૈયાર થયેલા બીજામૃતથી બીજને સંસ્કારીત કરવામાં આવે છે. બીજનું અંકુરણ ઝડપથી થાય છે. જીવામૃત અને ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મ-જીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.

રાજ્યપાલે અળસિયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા

રાજ્યપાલે અળસિયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અળસિયા જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે. જેનાથી જમીનમાં પૂરતો ઓક્સિજન પહોંચે છે. અળસિયા માટી, વનસ્પતિ ખાઈને જમીનમાં વર્મીકમ્પોસ્ટનું નિર્માણ કરે છે. અળસિયા દ્વારા બનાવાયેલા છેદથી પ્રાકૃતિક રીતે જળસંચય થાય છે. પ્રાકૃતિક કૃષિમાં જમીનની ઢાંકવાની જરૂરિયાત ઉપર ભાર મુકતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે કૃષિ અવશેષોથી જમીનને મલ્ચિંગ-આચ્છાદન કરવાથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઉડી જતો અટકે છે, એટલું જ નહીં નિંદામણ અટકે છે. મલ્ચિંગ કરવાથી અળસિયા જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્રપાકના મહત્વને પણ દોહરાવ્યું હતું.

કેન્દ્રીય સંચાર મંત્રીએ રાજ્યપાલનું અભિવાદન કર્યું

કેન્દ્રીય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંત, સાક્ષર અને સરદારની ભૂમિ પર મહામહિમ રાજ્યપાલને આવકાર્યા હતા. તેઓએ સમગ્ર ભારતવર્ષમાં પદ્મ સુભાષ પાલેકર બાદ પ્રાકૃત્તિક ખેતી અંગે સમગ્ર રાજ્ય તથા દેશમાં સૌને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપનાર રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું. ભારતીય ઋષિ પરંપરામાં પૃથ્વીને માતા માનીએ છે, પરંતુ આઝાદી બાદ અન્નના અભાવના કારણે આપણા દેશના ખેડૂતો રાસાયણ ખેતી તરફ વળ્યા અને જંતુનાશક દવાઓના ઉપયાગ દ્વારા મોટી માત્રામાં ઉત્પાદન તો મેળવ્યું પરંતુ માનવ સ્વાસ્થ્ય તથા પૃથ્વી પર ખૂબ માઠી અસરો પડી છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા, દેશની પ્રજાનું સ્વાસ્થ્ય તથા પૃથ્વીનું સંવર્ધન કરવા માટે સોઈલ હેલ્થ કાર્ડથી માંડીને કિસાન સન્માનનીધિ જેવી અનેક યોજનાઓની ભેટ આપી. આ સાથે સાથે  દેવુસિંહે ખેડૂતો માટે ખેડૂતોને સમૃધ્ધ બનાવવાના મૂળ ઉપાય એટલે કે ઝીરો બજેટ ખેતી, પ્રાકૃત્તિક ખેતી અંગે સમગ્ર રાજ્યમાં માર્ગદર્શન આપવાની ભેખ ધારણ કરનાર રાજ્યપાલનું અભિવાદન કર્યું.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સ્પષ્ટ તથા સરળ માર્ગદર્શન આપ્યું

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સ્પષ્ટ તથા સરળ માર્ગદર્શન આપતા રાજ્યપાલનો આભાર વ્યકત કર્યો હતો. આજે રાજ્યના ખેડૂતો પોતાની જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી વિવિધ પાકો કરી, સારા પરીણામો મેળવી શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાકનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહીં પણ જીવન દર્શન છે. રાસાયણના ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનને નિવારવા માટે આ ક્રાંતિકારી પરિવર્તન લાવવા અને ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયત્નો માટે  પંકજભાઈ દેસાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

યોજનાઓની સહાય પુરી પાડવા બદલ જિલ્લા ખેતીવાડી વિભાગને શુભેચ્છાઓ પાઠવી

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે ખેડા જિલ્લામાં એ.જી.આર, ખેડૂત હાટ, ખેડૂતોને ટ્રેક્ટર માટે 45,000 થી 50,000ની સહાય, કિસાન પરિવહન સાધન, ભૂગર્ભ કૂવા, આઈ-ખેડૂત પોર્ટલ, દેશી ગાય નિભાવ વગેરે યોજનાઓની સહાય પુરી પાડવા બદલ જિલ્લા ખેતીવાડી વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરકે. એલ. બચાણીએ પ્રકૃતિ, પર્યાવરણ અને કૃષિનું હિત સદાય જેમના મનમાં વસે છે એવા રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. ખેડૂતોને રાસાયણિક, ઝેરી ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા હંમેશા કટિબદ્ધ રહેતા રાજ્યપાલની ખેડા જિલ્લાની અગાઉની મુલાકાતને યાદ કરતા કલેક્ટરએ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના રાજ્યપાલના મહાઅભિયાનને બિરદાવ્યું હતું.

ઈન્દુલાલ યાજ્ઞિકનું મરણોપરાંત સન્માન

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લાકક્ષાએ યોજાયેલ આ પરીસંવાદમાં મહાગુજરાત આંદોલનના પ્રણેતા, લોકસેવક ઈન્દુલાલ યાજ્ઞિકનું મરણોપરાંત સન્માન ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.  કુલીનચંદ્ર યાજ્ઞિકે રાજ્યપાલના વરદ હસ્તેથી આ સન્માનપત્ર સ્વીકાર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, માતરના ધારાસભ્ય કેસરીસિંહ, ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati