અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની ત્રણ દિવસની વરસાદની આગાહી વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા શહેરના અનેક માર્ગો જળમગ્ન બન્યા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. શહેરના ગોતા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. અનેક લોકોના વાહનો બંધ પડી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરના અનેક નવા વિકસતા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાઈ જતા લોકમુખે બસ એક જ સવાલ છે કે જો ડેવલપ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા હોય તો કોર્પોરેશનના અધિકારીઓ કરી શું રહ્યા છે ?
કરોડો રૂપિયાનો ટેક્સ ચુકવતી જનતાને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વેઠવી પડે છે અને હેરાનગતિ સહન કરવી પડે છે. સમયસર ટેક્સ ચુકવવાની શહેરીજનો પાસેથી અપેક્ષા રાખતુ અમ્યુકો.નું તંત્ર સુવિધા આપવામાં કેમ ઉણુ ઉતરે છે તે પણ મોટો સવાલ છે. દર વર્ષે અમ્યુકો.ના પ્રિમોન્સુન કામગીરીના આ જ પ્રકારે લીરે લીરા ઉડતા જોવા મળે છે. છતા પ્રોપર ડ્રેનેજની વ્યવસ્થા તંત્ર નથી કરી શક્તુ. જેમાં શહેરીજનોનો ભોગ લેવાતો રહે છે.
પાણી ભરાવાને કારણે વાહનો ખરાબ થાય છે,સમયનો વ્યય થાય છે,લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્તા નથી. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે પરંતુ આ એકપણ સમસ્યાથી નફ્ફટ અને નિર્લજ્જ બની ગયેલા કોર્પોરેશનના અધિકારીઓને જાણે કંઈ લેવા દેવા જ નથી. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મોટા મોટા દાવા કરવામાં આવે છે અને જમીન પર તે પૈકીની કોઈ કામગીરી દૂર દૂર સુધી દેખાતી નથી. હાલ એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ભરાવાની સમસ્યા ન હોય. છતા તંત્રના અધિકારીઓ નફ્ફટ થઈને તમાશો જોયા કરે છે. કોઈ નક્કર કામગીરી કરતા નથી.
Published On - 2:21 pm, Sat, 24 August 24