ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી અંગે NGOના અહેવાલને અન્ય ન્યાયાધીશોને મોકલવા જણાવ્યું
અરજદાર એડવોકેટ છે તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એવા બાળકો કે જેમના માતા-પિતા અલગ રહે છે. તેઓને તેમના માતા-પિતામાંથી કોઈપણ દ્વારા શરૂ કરાયેલી કોર્ટની કાર્યવાહીમાં વારંવાર બોલાવવામાં આવે ત્યારે તેમના નિયમિત અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકના હિતમાં સૂચન કર્યું છે. તેમજ પતિ-પત્નીના લગ્ન જીવનના ઝઘડા અંગેના ચાલતા કેસોમાં નિર્દોષ બાળકોના હિતમાં મુંબઇની ચાઇલ્ડ રાઇટ ફાઉન્ડેશન દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા તમામ જયુડિશયલ અધિકારીઓને મોકલી આપવા ખંડપીઠે રજિસ્ટ્રાર જનરલને આદેશ કર્યો છે. હાઇકોર્ટ વધુમાં કહ્યું હતું કે, આ માર્ગદર્શિકા આદેશાત્મક કે ફરજિયાત નથી. દેશની અન્ય હાઈકોર્ટોએ તેને માત્ર વિચારણામાં લેવી જોઇએ અને આ પ્રકારના કેસો ચલાવતા જજીસને મોકલી આપી છે.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસમાં બાળકો ભોગ બનતા હોય
ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસોની ચાલતી કાર્યવાહીમાં બાળકો ભોગ બનતા હોય છે. તેમનો અભ્યાસ બગડે છે. અને તેમના બાળમાનસ ઉપર ગંભીર અસરો પડે છે. ગાર્ડીયન્સ એન્ડ વોર્ડસ એક્ટ હેઠળ બાળકના વચગાળાની કસ્ટડીના નિર્ણયમાં બાળકો જ ભોગ બનતા હોય છે. તેમજ બાળકની કસ્ટડી અંગે કાયમી કે કામચલાઉ અરજીઓ હોય તેનો નિર્ણય 90 દિવસમાં કરવાનો હાઇકોર્ટે આદેશ કરવો જોઇએ. માતા-પિતાને બાળકની કસ્ટડી સરખા દિવસ માટે આપવી જોઇએ.
ઉલ્લેખિત માર્ગદર્શિકા ફરજિયાત નથી
જો કે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ચાઈલ્ડ રાઈટ્સ ફાઉન્ડેશનના અહેવાલમાં ઉલ્લેખિત માર્ગદર્શિકા ફરજિયાત નથી અને તમામ ન્યાયાધીશોએ કાયદા અનુસાર દરેક કેસનો તેમની પોતાની યોગ્યતાઓ પર નિર્ણય કરવો જોઈએ.
બાળકની કસ્ટડી માતા-પિતાને સરખી મળવી જોઇએ તેવી અરજદારની રજૂઆત
અરજદાર એડવોકેટ છે તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એવા બાળકો કે જેમના માતા-પિતા અલગ રહે છે. તેઓને તેમના માતા-પિતામાંથી કોઈપણ દ્વારા શરૂ કરાયેલી કોર્ટની કાર્યવાહીમાં વારંવાર બોલાવવામાં આવે ત્યારે તેમના નિયમિત અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા-પિતાને સરખી મળવી જોઇએ તેવી અરજદારે રજૂઆત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…