ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 350 કરોડના હેરોઈન ડ્રગ્સ સાથે 6 લોકોની કરી ધરપકડ, UP, પંજાબ, દિલ્હીમાં ઘૂસાડવાનુ હતુ ષડયંત્ર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે વધુ એક મોટુ ઓપરેશન પાર પાડતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ATS અને કોસ્ટગાર્ડનું ચાર દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી 50 કિલો હેરોઈન ડ્રગ્સ સાથે અલ-સાકર નામની એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.
ભારતીય કોસ્ટગાર્ડ (ICG) અને ગુજરાત ATSએ વધુ એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ (Drugs) ઝડપ્યુ છે. ICG અને ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી 50 કિલો હેરોઈન (Heroin) ડ્રગ્સ સાથે અલ-સાકર નામની એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી. આ હેરોઈનના જથ્થાની કિંમત અંદાજે 350 કરોડ રૂપિયા છે. ICG અને ગુજરાત ATSની ટીમે બોટમાં સવાર 6 લોકોની ધરપકડ કરી છે અને બોટને આગળની તપાસ માટે જખૌ બંદરે લાવવામાં આવી રહી છે. હવામાન ખરાબ હોવા છતાં ICGએ ગુજરાત ATS સાથે મળીને કપરૂ મિશન પૂરૂ કર્યું. આ બોટ અને ડ્રગ સંબંધિત વધુ માહિતી માટે એજન્સીએ તપાસ શરૂ કરી છે. છેલ્લા એક વર્ષમાં ICG અને ATSએ મળીને છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. જ્યારે એક મહિનાથી ઓછા સમયમાં બીજી વખત ડ્રગ્સથી ભરેલી બોટ ઝડપી પાડી છે.
મહત્વનું છે કે આ પહેલા 14 સપ્ટેમ્બરે પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન ઝડપાયું હતું અને 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ તરફ કોચીમાં NCB અને ICGએ મળી ભૂતકાળમાં એક પાકિસ્તાની બોટ પકડી હતી, જેમાં કરોડોનું ડ્રગ્સ હતું. જ્યારે ગત શુક્રવારે NCBએ મુંબઈના એક ગોડાઉનમાંથી 50 કિલો ‘મેફેડ્રોન’ જપ્ત કર્યુ હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ રૂપિયા થાય છે.
50 કિલો હાઈક્વોલિટીના 350 કરોડ રૂપિયાની કિંમતનો હેરોઈનનો જથ્થો જપ્ત
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ ATSના DIG દીપન ભદ્રન, SP સુનિલ જોષી, DySP કે.કે. પટેલ આ ઓપરેશનમાં જોડાયા હતા. આ વખતે બાતમી કે.કે. પટેલ પાસે આવી હતી. આ બાતમીને આધારે 4 દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. દરિયાઈ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડની બોટે એક્ઝેટ કો-ઓર્ડિનેટ્સ મેળવી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ સાથેની પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની બોટ પર સવાર શખ્સોએ તેમના ફોન પાણીમાં ફેંકી દીધા હતા. જો કે ATS અને કોસ્ટગાર્ડના અધિકારીઓ અગાઉથી જ એલર્ટ હોવાથી આ છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને બોટમાં રહેલુ 50 કિલોના હાઈક્વોલિટીના 350 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ હેરોઈનને ગુજરાતથી પંજાબ, દિલ્હી અને યુપી પહોંચાડવાનું હતુ. છેલ્લા એક વર્ષમાં ATSનું આ પ્રકારનું આ છઠ્ઠુ ઓપરેશન છે.