Tv9 Exclusive : ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોરીનો કેસ, 12 કરોડની સામે 37 કરોડ પડાવી લીધાં, જુઓ Video
વધતા જતા વ્યાજખોરોના ત્રાસને ડામવા પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોરીનો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોની ઇનોવા કારમાંથી 25 કોથળા ભરેલા દસ્તાવેજો, 61 ATM, ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 113 ચેકબુક મળી આવી. દસ્તાવેજો તપાસવા અને આરોપી પકડવાની કામગીરી SIT દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ નહિ પણ ગુજરાતનો વ્યાજખોરોનો સૌથી મોટો કેસ નારોલ પોલીસ મથકમાં (Narol Police Station) નોંધાયો છે. ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી.
વ્યાજખોરીની આ ઘટના બાદ સમગ્ર મામલે કેસની તપાસ માટે ખાસ SIT ની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા તપાસ કરતા 11 આરોપીઓને બદલે 24 આરોપીઓ સામે આવ્યા હતા. આ ઘટનામા તપાસ કરતાં પોલીસે આરોપીની કારમાંથી 24 કોથળા ભરેલા દસ્તાવેજો કબજે કર્યા છે. આ ઉપરાંત 61 ATM ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 113 ચેકબુક પણ કબ્જે કરી છે. સમગ્ર કેસનો મુખ્ય આરોપી ધર્મેશ કે જેના નામે 25 બેન્ક એકાઉન્ટ છે તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ ઉપરાંત આરોપી ધર્મેશ અને તેના પરિવારના સભ્યોના નામે 14 કંપનીઓ રજીસ્ટર થયેલી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે, આરોપી ધર્મેશના નામે 754 કરોડની સંપતિ છે. જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપતિ નોંધાયેલી છે. આરોપી ધર્મેશ સામે અગાઉ બેન્કો સાથે પણ છેતરપિંડીના કેસો નોંધાઈ ચૂક્યા છે.
કોરોનાનો સમય એવો હતો, જેમાં હર કોઈના ધંધા પર માઠી અસર પડી હતી. ત્યારે અમદાવાદમાં વેપારી કમલ ડોગરાએ કોરોના સમયમાં તેના ધંધાને અસર પડતા વ્યાજે રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. કમલભાઈએ તેના એક પરિચિત નાણાં ધિરનારનું કામ કરતા ફાલ્ગુન મહેતાને વ્યાજે રૂપિયાનું કહેતા ફાલ્ગુનભાઈએ તેનાં મિત્રો ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટ (Bank account) માંથી વેપારી કમલભાઈની અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
વેપારીને વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું હતું. જોકે વેપારીને આપેલી રકમ બેંકના માધ્યમથી આપવામાં આવી હતી જે વેપારીએ સાડા સાત કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કનાં માધ્યમ થી પરત કરી દીધી હતી. આ ઉપરાંત વ્યાજખોરોએ વધુ રૂપિયા માંગતા વેપારીએ અઢી કરોડ રોકડા પણ આપ્યા હતા. આટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા.
વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણ થી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. વેપારીએ અલગ અલગ કંપની પાસે લેવાનું બે કરોડની વધુનું બાકી પેમેન્ટ પણ આ વ્યાજખોરોએ પોતે હડપ કરી લીધું હતું જેના માટે વ્યાજખોરોએ અલગ થી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.
મહત્વનુ છે કે જ્યારથી નારોલમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ અલગ અલગ 15 જેટલા અન્ય ભોગવનાર લોકોએ પણ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી આવનારા દિવસોમાં ધર્મેશ અને તેની ગેંગ વિરૂદ્ધ અન્ય 15 જેટલા ગુનાઓ નોંધાઈ તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ધર્મેશ વિરૂદ્ધ અગાઉ 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : એમનેમ થોડુ કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, સુરતમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી 23 વર્ષે ઓડિશાથી ઝડપાયો
હાલ પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. હવે અન્ય ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનુ છે કે જે પણ દસ્તાવેજો મળી આવ્યા છે તે બાબતે પણ SIT એ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો