ડિસેમ્બરમાં યોજાનારી ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે માર્ગદર્શિકા જાહેર, જાણો વકીલોએ શું ધ્યાન રાખવુ ?
રાજ્યનું સૌથી મોટું ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન એટલે કે અમદાવાદનું ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન છે. આ એસોસિએશનમાં કુલ 7,500 નોંધાયેલા વકીલો છે અને તેમાંથી 5500 વકીલો નોંધાયેલા મતદાર છે. આગામી 22 ડિસેમ્બર ના રોજ ક્રિમિનલ કોર્ટ 12 એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદો માટે ચૂંટણી યોજવાની છે.

અમદાવાદ: ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર માસમાં રાજ્યની 272 બાર એસોસિએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યનું સૌથી મોટું ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન એટલે કે અમદાવાદનું ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન છે. આ એસોસિએશનમાં કુલ 7,500 નોંધાયેલા વકીલો છે અને તેમાંથી 5500 વકીલો નોંધાયેલા મતદાર છે. આગામી 22 ડિસેમ્બર ના રોજ ક્રિમિનલ કોર્ટ 12 એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદો માટે ચૂંટણી યોજવાની છે.


મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
આ ચૂંટણી માટેના મુખ્ય ચૂંટણી કમિશનર અનિલ કિલ્લા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં વકીલો અને તેમના સમર્થકોએ શું કરવું અને શું ન કરવું સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરના રોજ આ ચૂંટણી માટે મતદાન યોજાશે જેના માટે ચારથી આઠ ડિસેમ્બર સુધી જે તે પદ માટે ઈચ્છુક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ ઉપરાંત 12 ડિસેમ્બર સુધી તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે.
સોશિયલ મીડિયામાં ગેરવ્યાજબી લખાણ પર પ્રતિબંધ
આ ઉપરાંત ચૂંટણી કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં ગેરવ્યાજબી લખાણ અથવા તો કોઈને હાની પહોંચે તે પ્રકારના લખાણો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ વકીલ અથવા ઉમેદવારને પ્રતિષ્ઠાને હાની પહોંચે તે પ્રકારના કૃત્યો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રચારમાં પત્રિકા કાર્ડ કે પોસ્ટર એ કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી કોઈપણ દિવાલ ઉપર ચોંટાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોર્ટ પરિસરની અંદર તોરણ લગાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ ઉમેદવારે પોતાના પ્રતિસ્પર્ધી કે અન્ય ઉમેદવારો વિરુદ્ધ કોઈપણ પ્રકારની પત્રિકા પ્રચાર પ્રસાર કરવા પર રોક મુકવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ સભ્યની પ્રતિષ્ઠા ને વ્યવસાયિક ગરિમા ન ખોરવાય અથવા તો અન્ય નુકસાન થાય તે પ્રકારે અને ચૂંટણી કાર્ડમાં ધાર્મિક ચિન્હો,ચિત્રો, પ્રતીક તથા ગેર વ્યાજબી લખાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
24 કલાક પહેલા પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ
મહત્વનું છે કે મતદાનના 24 કલાક પહેલા તમામ પ્રકારના પ્રચાર પ્રસાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ક્રિમીનલ કોર્ટ બાર એસોસિયેશન ઉપરાંત ડિસેમ્બર માસમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની પણ ચૂંટણી યોજનાર છે જેના માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.