ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ 2024માં મહાનુભાવોને આગમનને પગલે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ આ ખાસ વ્યવસ્થા- વાંચો
ચાર વર્ષ બાદ પાટનગર ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ આયોજિત થવા જઈ રહી છે. આ સમિટને સફળ બનાવવા સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગરને ભવ્યાતિભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે. 30થી વધુ દેશોનુ ડેલિગેશન આ સમિટમાં ભાગ લેવાના છે. ત્યારે મહાત્મા મંદિર તરફ જતા તમામ રૂટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

10મી જાન્યુઆરીથી આયોજિત થનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 10મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન કરવાના છે. ત્યારે 4 વર્ષ બાદ યોજાઈ રહેલી આ વાઈબ્રન્ટ સમિટને લઈને આવનારા પાંચ દિવસ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી ગાંધીનગર સુધી મહાનુભાવોની અવરજવર રહેશે. 30 થી વધુ દેશોના ડેલિગેશન આ સમિટમાં આવી રહ્યા છે. જેમની આજ સાંજથી જ અવરજવર શરૂ થઈ જનાર છે જેને લઈને ટ્રાફીક વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે ઍરપોર્ટ જતા-આવતા મુસાફરો માટે જારી કરી ટ્રાફિક એડવાઈઝરી
- આજથી પાંચ દિવસ ઇન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલ થી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે.
- અમદાવાદ થી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલનો રૂટ લેવા સલાહ આપવામાં આવી છે.
- ઍરપોર્ટ પર મુસાફરી કરતા લોકોને સમય કરતા બે કલાક વહેલું અવર જવર કરવું.
- ઍરપોર્ટ પર કટોકટીના કિસ્સામાં મુસાફરોએ ભદ્રેશ્વર કટમાંથી પ્રવેશ કરવો.
- કટમાંથી સરદાર નગર રોડ પર જઈ ઍરપોર્ટ પર પ્રીષ્ટીન હોટલ નજીકથી બહાર નીકળવું.
- પૂર્વ વિસ્તારમાંથી ઍરપોર્ટ તરફ આવતા લોકોને ડફનાળા તરફ નહીં જવા અપીલ કરાઈ
- પૂર્વ વિસ્તારના લોકોને ગાંધીનગર કે ઍરપોર્ટ જવા મેમકો થી નરોડા થી નોબલ ટી જંકશન થઈને જવું.
- પશ્ચિમના લોકોને ઍરપોર્ટ તરફ જવા રિંગરોડ પરથી ચિલોડા સર્કલથી પ્રવેશ કરી નોબલ ટી અને ભદ્રેશ્વર જંકશનથી એરપોર્ટ પહોંચવું.

9 જાન્યુઆરીએ ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો યોજાશે રોડ શો
આજથી જ અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવાશે. 9 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ યુએઈના શેખ મોહમ્મદ બિન ઝાયેદનો ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રોડ શો યોજાશે. આ રોડ શો દરમિયાન અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસનો સંયુક્ત બંદોબસ્ત રહેશે. જેમા ટ્રાફિકના 500 જેટલા જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.
9 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડશો સાંજના 5થી 6 વાગ્યા દરમિયાન યોજાવાનોછે. આગામી 4 દિવસમાં મહેમાનો ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત 1 થી 5 વાગ્યાની વચ્ચેની રહેશે. વાઈબ્રન્ટ સમિટને પગલે મહાત્મા મંદિર આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વીવીઆઈપી મુવમેન્ટને પગલે ગાંધીનગરમાં અમુક રૂટો પર વાહન વ્યવહારની અવરજવર બંધ કરી દેવાઈ છે.
