કોમી એકતા માટે આત્મ બલિદાન આપનાર વસંત-રજબની આજે પુણ્યતિથિ, જાણો શું છે તેમના શહાદતની કહાણી

આજે વસંત રજબના (Vasant-Rajab) આત્મબલિદાનની 76મી પુણ્યતિથિ છે. વસંત રજબના બલિદાનની યાદમાં અમદાવાદમાં (Ahmedabad) ગાયકવાડ હવેલીમાં બંધુત્વ સ્મારક બનાવાયું છે.

કોમી એકતા માટે આત્મ બલિદાન આપનાર વસંત-રજબની આજે પુણ્યતિથિ, જાણો શું છે તેમના શહાદતની કહાણી
કોમી એકતા માટે બલિદાન આપનાર વસંત-રજબની આજે પુણ્યતિથી
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 01, 2022 | 12:58 PM

અમદાવાદમાં (Ahmedabad) કોમી એકતા (Communal solidarity) માટે જાનની આહૂતિ આપી દેનારા બે વીર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીના શહાદતની આજે પહેલી જુલાઈએ 76મી પૂણ્યતિથિ છે. 1 જુલાઈ 1946ની અષાઢી બીજની રથયાત્રાએ, અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી તોફાનો (Communal riots) ઠારવા જતાં વસંત-રજબ શહીદ થયા હતા. આઝાદી આવવાને હજુ તેરેક મહિના બાકી હતાં. દેશના ભાગલા અને મુસ્લિમ લીગના ડાયરેકટ એકશનના એલાનથી શહેરનું વાતાવરણ ડહોળાયેલું હતું. રથયાત્રાની સવારથી જ શરૂ થયેલાં કોમી છમકલાં સેવાદળના બે કર્મઠ કાર્યકરો વસંત-રજબ ઠારી રહ્યાં હતાં. પણ સાંજ પડતાં તે વિકરાળ બન્યાં. સમજાવટ અને એખલાસનો પ્રયત્ન કરનાર વસંત-રજબને જ ઝનૂની ટોળાંએ હિંસાનો ભોગ બનાવી દીધાં હતાં.

1941 સુધી એકબીજાને મળ્યા પણ નહતા

1941માં અમદાવાદમાં કોમી રમખાણો થયા ત્યાં સુધી વસંત-રજબને સાથે મળીને કામ કરવાનું થયું નહોતું. પણ 1941ના રમખાણો અંગે બંનેનો પ્રતિભાવ લગભગ એક સરખો હતો. વસંતરાવે કહ્યું હતું કે, ‘આટલા મોટા અમદાવાદમાંથી શું બસો-ચારસો નીડર માણસો ન નીકળ્યા ? ગાંધીજીના અમદાવાદમાંથી એકાદ ગણેશંકર વિધ્યાર્થી પણ ન નીકળ્યો ?’ કંઈક આવો જ પ્રતિભાવ રજબઅલીનો પણ હતો કે, ‘અમદાવાદમાંથી એકે કોંગ્રેસમેન આ હુલ્લડમાં ખપી ન ગયો તે આપણા વિરોધીઓને ટીકા કરવાની તક આપશે’ એટલે જે અમન અને એખલાસ તે ઝંખતા હતા, જે કોમીશાંતિ અને ભાઈચારો તે ચાહતા હતા તેને કાયમ રાખવા તક મળી ત્યારે જીવ પર આવી ઝઝૂમ્યા હતા.

રથયાત્રામાં ફાટી નીકળ્યુ હતુ રમખાણ

1946ના રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતુ. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાં ધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વિના નીકળી પડયા હતા. જમાલપુરમાં ઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને શાંત કરવા માટે વસંતરાવહેગિષ્ટે અને રજબઅલીલાખાણીએ અનેક વિનવણીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા. પછી ‘ જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો…’ એવો ખૂલ્લો પડકાર કર્યો. એ પછી હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવીને સાચે જ એ બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા. વસંતરાવ અને રજબઅલીએ હિંસા અટકાવવા માટે, પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવા અડીખમ ઊભા રહી પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.

ગાંધીજી-સરદાર પટેલે વ્યક્ત કર્યુ હતુ દુ:ખ

એ સમાચાર બીજી જુલાઈએ ગાંધીજીને પૂણેમાં મળ્યા. બાપુએ પ્રાર્થનાસભા પછી અમદાવાદના રમખાણો વિશે પોતાનું દુખ પ્રગટ કર્યું હતું અને જણાવ્યું, ‘ગણેશ શંકર વિદ્યાર્થી, વસંતરાવને રજબઅલી જેવા અનેક યુવાનો નીકળી પડે તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય. સરદાર વલ્લભભાઈ પટેલ તો વસંતરાવને બાલ્યાવસ્થાથી ઓળખતા હતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા વસંતરાવ તો ૧૯૩૧માં સરદાર કરાંચી કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે અમદાવાદથી સાઇકલ લઈને કરાંચી ગયા હતા. સરદાર વસંત-રજબના આત્મબલિદાનથી ખૂબ જ વ્યથિત થયા હતા અને અનેક પ્રસંગોએ તેમની વીરતાના દ્રષ્ટાંત આપ્યા હતા. એમ ઇતિહાસ-સંશોધક ડો. રિઝવાન કાદરીએ એક પુસ્તકમાં નોંધ્યુ છે.

આ પણ વાંચો

આજે વસંત રજબના આત્મબલિદાનની 76મી પુણ્યતિથિ છે. વસંત રજબના બલિદાનની યાદમાં ગાયકવાડ હવેલીમાં બંધુત્વ સ્મારક બનાવાયું છે. જો કે દુખની વાત એ છે કે વસંત-રજબ બંધુત્વ સ્મારકને વર્ષમાં માત્ર એક જ વાર તેમની પુણ્યતિથી નિમિત્તે જ યાદ કરાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati