ગુજરાતથી મોકલાયેલ નગારુ, અગરબતી અને ધ્વજદંડ થકી અયોધ્યામાં સદાય ફરક્તી રહેશે ગુજરાતની લહેર- અવાજ, સુવાસ અને ધજાનો રચાશે સમન્વય
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરમાં ગુજરાતના ડબગર સમાજે તૈયાર કરેલુ સૌથી મોટુ નગારુ, વડોદરાથી સૌથી મોટી અગરબતી અને અમદાવાદથી સૌથી મોટો ધ્વજ દંડ રામ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરવાનો છે. ત્યારે અવાજ, સુવાસ અને ધજા દ્વારા ગુજરાતની લહેર અયોધ્યામાં સદાય ફરક્તી રહેશે જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક એવા રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલો સૌથી મોટો ધ્વજ દંડ મોકલવામાં આવ્યો છે. જેમા એક મુખ્ય ધ્વજદંડ છે જ્યારે 6 અન્ય નાના ધ્વજદંડ સહિત કુલ 7 ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યા છે. રામમંદિરના આ સાતેસાત ધ્વજદંડ સંપૂર્ણપણે શુદ્ધ પિત્તળમાંથી જ તૈયાર થયા છે. જેમા અન્ય કોઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવ્યુ નથી. રામમંદિરના મુખ્ય ધ્વજદંડની લંબાઈ 44 ફૂટ છે. જ્યારે ધ્વજદંડનો ગોળાર્ધ 9.5 ઈંચ છે. ધ્વજદંડની વોલ થિકનેસ એટલે કે જાડાઈ 1 ઈંચની છે. સમગ્ર ધ્વજદંડનું વજન 5 હજાર 500 કિલોગ્રામ છે. છેલ્લાં 81 વર્ષમાં આટલો વિશાળ ધ્વજદંડ ક્યારેય તૈયાર નથી થયો.
રામ મંદિર માટે અતુલ્ય ધ્વજદંડનું નિર્માણ, 81 વર્ષમાં નથી બન્યો આવો ધ્વજદંડ!
અયોધ્યા રામ મંદિર પર લગાવવા માટે એક મુખ્ય ધ્વજદંડ સહિત કુલ 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીએ સફળતાપૂર્વક આ કામ પાર પાડ્યું છે. અયોધ્યા મંદિર માટેનો મુખ્ય ધ્વજદંડ ખરાં અર્થમાં વિશેષ છે. એવુ પણ કહેવાય છે કે આ અગાઉ આટલા વિશાળ ધ્વજદંડનું નિર્માણ ક્યારેય નથી થયું. જે રીતે અયોધ્યા મંદિર અત્યંત વિશાળ છે. એ જ દૃષ્ટિએ મુખ્ય મંદિર પર લાગનારો મુખ્ય ધ્વજદંડ પણ એટલો જ વિશાળ છે. આ ઉપરાંત 2 કિલો વજનના નાના કડાં, 18 કિલો વજનના મધ્યમ કડાં અને 36 કિલો વજનનો એક એવા અત્યંત મોટા કદના કડાં પણ ખાસ મંદિર માટે તૈયાર કરવામાં આવ્યા છે.
રામમંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કર્યુ છે વિશાળ નગારુ
આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા રામમંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનારા નગારાની પૂજનવિધિ કરી હતી. ડબગર સમાજ દ્વારા 56 ઇંચના સોનાના વરખ સાથેનું વિશાળ અને કલાત્મક નગારું તૈયાર કરવામાં આવ્યું છે. જે શહેરના દરિયાપુર ખાતે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા પૂજનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ 1 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નગારા પર હાથ અજમાવ્યો હતો અને હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધો હતો.
રામ મંદિર માટે વડોદરામાં તૈયાર થઈ સૌથી મોટી અગરબતી
આ અગાઉ વડોદરાથી 108 ફુટની સૌથી મોટી અગરબતી અયોધ્યા રામ મંદિર માટે મોકલવામાં આવી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેલા વિહાભાઈ ભરવાડે આ અગરબતી તૈયાર કરી છે. જેમા 376 કિલો ગુગળ, 376 કિલો કોપરાનું છીણ, 280 કિલો જવ, 280 કિલો તલ, 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગીર ગાયના છાણનો પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબતી 3500 કિલો વજનની છે અને તે દોઢ મહિના સુધી અખંડ ચાલશે. જે 108 ફુટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. આ અગરબતી 6 મહિનામાં તૈયાર થઈ છે અને તેની બનાવટમાં તમામ પ્રકારની શુદ્ધતા અને પવિત્રતાની જાળવણી કરવામાં આવી છે. જે રામ મંદિરની આસપાસની 50 કિલોમીટરની ત્રિજ્યામાં સુવાસ ફેલાવી પોઝિટિવ વાતાવરણ ઉભુ કરશે.
ધજા એ ભગવાનના પ્રતિનિધિત્વ સમાન
અયોધ્યામાં 500 વર્ષના ઈતિહાસ બાદ સૌથી મોટી સફળતા દેખાઈ રહી છે ત્યારે સદીનો સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમા રામલલા પોતાના નીજ મંદિરમાં પ્રસ્થાપિત થવાના છે તેનો એક અલગ આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહભેર લોકો ઉમટી રહ્યા છે. સનાતન ધર્મમાં ધજાનું પણ અનેરુ મહત્વ છે. ધજા એ ભગવાનના પ્રતિતિ છે, ધજા એ ભગવાનનું પ્રતિનિધિત્વ છે. હિંદુ ધર્મ માટે ધજા એ મંદિરોની આન,બાન અને શાન સમાન છે. પહેલાના સમયમાં મહારાજા કે રાજા જ્યારે પોતાના રાજ મહેલ પર ધજા લગાવતા ત્યારે તેના પરથી જ નક્કી થતુ કે મહારાજા મહેલમાં છે અને જ્યારે મહેલમાં મહારાજા નથી હોતા ત્યારે ધજાને ઉતારી લેવામાં આવે છે. ધજાની આ પ્રણાલી નક્કી હોય છે તેવી જ રીતે ભગવાન નીજ મંદિરમાં હોય તેની સાબિતી આપવા માટે ધજા સદાય ત્યાં ફરક્તી રહે તો લોકો ધજાના દર્શન કરીને પણ ભગવાનના દર્શન કર્યા બરાબર ગણે છે.
આ પણ વાંચો : અયોધ્યામાં દિવસ દરમિયાન વિવિધ રંગો ફેલાવતા સૂર્ય સ્તંભનું શું છે મહત્વ- જુઓ વીડિયો
દેશ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો