રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનો સમય ફરજીયાત બપોરનો કરતા વિવાદ, શિક્ષણ વિભાગના પરિપત્ર સામે શાળા સંચાલકોમાં રોષ
શિક્ષણ વિભાગ (Education Department) પરિપત્ર કરી તમામ શાળાઓને સવારની પાળીમાં શાળા ના ચલાવવા માટે આદેશ કર્યો છે. તમામ ગ્રાન્ટેડ શાળાઓ (Granted schools) સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના (Granted Schools) સમયને લઈને વિવાદ સર્જાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે (Education Department) ગ્રાન્ટેડ શાળાઓના સમય અંગે વિવાદિત પરીપત્ર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં પરીપત્ર કરી તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજીયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશને કારણે સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રને કારણે રાજ્યમાં આવેલી 7620 ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર થઈ છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રને (Circular) લઈને રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો
શિક્ષણ વિભાગ પરિપત્ર કરી તમામ શાળાઓને સવારની પાળીમાં શાળા ના ચલાવવા માટે આદેશ કર્યો છે. તમામ ગ્રાન્ટેડ શાળાઓ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે. શાળાઓમાં 27 કલાકનું શિક્ષણકાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગે સમય 11થી 5નો કર્યો છે અને સવારની પાળીમાં કોઈ શાળા ચાલતી હોય તો તે શાળાનો સમય બદલી તાત્કાલિક 11થી 5નો કરવાનો આદેશ કર્યો છે. જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં નથી તે શાળાઓ સવારની પાળીમાં ચલાવી શકાશે નહીં. જે શાળાઓમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવારનો અને માધ્યમિક વિભાગનો સમય બપોરનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
પરિપત્ર રદ કરવા ઉઠી માગ
અગાઉ શિક્ષણ વિભાગે વર્ષ-2000, 2012 અને 2014માં તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય 11થી 5નો રાખવા પરિપત્ર કર્યો હતો. પરંતુ ઘણાં જિલ્લાઓ અને શહેરોમાં વાલીઓ અને સંચાલકોએ વિરોધ કર્યો હતો. જે પછી પરિપત્ર રદ કરીને શાળાના કલાકો પૂર્ણ થાય તે મુજબ શાળાનો સમય રાખવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષણ વિભાગે ફરીથી શાળાઓનો સમય ફરજિયાત 11થી 5નો કરતાં શિક્ષણ વિભાગના આ આદેશ સામે સંચાલકોએ હવે બાંયો ચઢાવી છે. શાળા સંચાલક મંડળની રજૂઆત છે કે, બોર્ડના વિનિમય કે કાયદામાં પાળી પધ્ધતિની મંજુરી માટેની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ શાળાઓનો સમય સવાર કે બપોરનો રાખવા અંગે કોઈ જોગવાઈ નથી. બોર્ડના સચિવ દ્વારા વિનિમયની જોગવાઈ જોયા વિના જ પરિપત્ર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, બોર્ડના વિનિમય કે કાયદામાં જોગવાઈ ના હોય અને 27 કલાકનું શિક્ષણકાર્ય જોઈતું હોય તો આવા સંજોગોમાં શહેર કે ગામની સ્થાનિક પરિસ્થિતિ મુજબ સંચાલકો શાળાનો સમય પોતાની રીતે ગોઠવી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતિની સીઝન સમયે વિદ્યાર્થીઓ ખેતીમાં મદદરૂપ થવા માટે શાળાએ આવતા નથી હોતાં. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના લાભ માટે શાળાનો સમય સવાર કે બપોરનો કરી શકાય અને સમયની મર્યાદા માત્ર ગ્રાન્ટેડ શાળાઓ માટે જ કેમ મુકવામાં આવી છે. સરકારી કે ખાનગી શાળાઓમાં પણ સમયનો અમલ થાય છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. અમારી માગ છે કે સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શાળાનો સમય નક્કી કરવા દેવામાં આવે.