વાહ રે તંત્ર, અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં બનાવાયેલા નવાનકોર વ્હાઈટ ટોપિંગ રોડમાં કોન્ટ્રાક્ટર મેનહોલ રાખવાનુ જ ભૂલી ગયા
અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસરથી સૈનિક પેટ્રોલ પમ્પ સુધી તાજેતરમાં જ બનાવાયેલા વ્હાઈટ ટોપિંગ રોડને ફરી વિવાદનું કારણ બન્યો છે. અગાઉ લેવલિંગમાં આવેલી ખામી બાદ રોડના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. રોડ બનાવી વખતે મેનહોલ દબાવી દેવામાં આવ્યા છે. ગટરના મુખ્ય ઢાંકણા પર આખેઆખો રોડ બનાવી દીધો ત્યા સુધી કોર્પોરેશનના અધિકારીઓને તેની જાણ જ ન હતી
વિકાસના કામોમાં નર્યો ભ્રષ્ટાચાર અને બેદરકારીના એક બાદ એક પૂરાવા સામે આવ્યા છે. હજુ 6 મહિના પહેલા જ અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર સાડા અગિયાર કરોડના વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. કરોડોનુ આંધણ કરી બનાવાયેલો આ રોડ પહેલેથી જ તેના લેવલિંગને કારણે વિવાદમાં આવી ચુક્યો છે. હવે રોડ બનાવતી વખતે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તેમા મેનહોલ રાખવાનુ જ ભૂલી ગયા હોવાનુ સામે આવ્યુ છે.
રોડ બનાવવામાં 6 થી 7 મેનહોલ નીચે દબાઈ ગયા અને તંત્ર 6 મહિના બાદ જાગ્યુ
જેના કારણે હવે નવા બનેલા આ વ્હાઈટ ટોપિંગ રોડ પર 200 મીટરના રોડમાં 6 થી 7 મેનહોલ દબાઈ ગયા હોવાથી તેને શોધવાની કવાયતમાં મ્યુનિસિપલ તંત્ર લાગ્યુ છે. આ રોડ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા બી.આર. ગોયલ નામના કોન્ટ્રાક્ટરને 5.63 કરોડ રૂપિયા ચુકવ્યા છે અને કોન્ટ્રાક્ટરે ગટરના મુખ્ય ઢાંકણા ઉપર જ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવી દેવામાં આવ્યો. આખેઆખો રોડ બની ગયો ત્યાં સુધી કોન્ટ્રાક્ટર કે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓને એટલી પણ બુદ્ધિુ ન સુજી કે રોડમાં ક્યાંય મેનહોલ રાખવામાં નથી આવ્યા અને હવે ઉંઘમાંથી જાગેલા અધિકારીઓ દ્વારા હવે રોડ પર ડ્રિલીંગ કરી મેનહોલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
11.5 કરોડના ખર્ચે બનાવાયેલા રોડને તોડી હવે મેનહોલ શોધવામાં આવી રહ્યા છે
હાલ ભરચોમાસે આ મેનહોલ શોધવાની કામગીરી થતા આ વિસ્તારના રહીશોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવશે. રોડ પર મેનહોલ ક્યાંક રોડની નીચે તો ક્યાંક રોડની સાઈડમાં આવેલા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ રોડને 6 મહિનામાં જ તોડવાની નોબત આવી છે. સાડા અગિયાર કરોડના ખર્ચે બનાવાયેલા રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને સાડા પાંચ કરોડ રૂપિયા ચુકવ્યા બાદ પણ જો આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવે છતા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કેમ થતી નથી.કોની રહેમનજર હેઠળ આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ મોટો સવાલ છે.
અમદાવાદને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ડીંગો હાંકતા નેતાઓ અને કોર્પોરેશનના અધિકારીઓની આ ડંફાસની પોલ દર વર્ષે થોડા વરસાદમાં જ ખુલ્લી પડી જાય છે દર વર્ષે વરસાદમાં કરોડોના ખર્ચે બનાવાયેલા રોડ રસ્તા તૂટી રહ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. છતા નઘરોળ જાડી ચામડીના આ અધિકારીઓ વિકાસકામોમાં ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી અને તેનો ભોગ દર વર્ષે જનતા બની રહી છે. દર વર્ષે વરસાદી સીઝનમાં શહેરના માર્ગો પર ત2-2 ફુ઼ટ સુધી પાણી ભરાઈ જાય છે છતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ થતી નથી.
આ માત્ર એક રોડની વાત નથી શહેરમાં જ્યાં જ્યાં પણ કોર્પોરેશન દ્વારા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે ત્યા પણ આ જ પ્રકારની કામમાં બેદરકારી સામે આવી છે. મેમનગરમા અને બાપુનગરમાં કરોડોનું આંધણ કરી બનાવાયેલા વ્હાઈટ ટોપિંગ રોડમાં ડ્રેનેજ લાઈનની કામગીરી તંત્ર ભૂલી ગયુ. જે બાદ તૈયાર નવાનકોર રોડ પર ડ્રેનેજની અધૂરી કામગીરી પુરી કરવા માટે ખોદકામ કરવામાં આવ્યુ.
આ તરફ ઘાટલોડિયા વિસ્તારમાં પણ અંદાજે 2 કરોડના ખર્ચે બનાવાયેલા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો. જો કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગત રવિવારે પડેલા ભારે એક થી બે ઈંચ વરસાદમાં જ અલ્કાપાર્ક સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા અને લોકોની ઘરવખરીને પારાવાર નુકસાન થયુ, દર વર્ષે તંત્રના પાપે શહેરીજનો પારાવાર હાલાકી ભોગવતા રહે છે.