અમદાવાદમાં પોલીસ પર હુમલાની ઘટના, ગરબા બંધ કરાવવા જતા બની ઘટના
મોડી રાત સુધી ગરબાનો કાર્યક્રમ શરૂ હતો. જેને બંધ કરાવવા માટે પોલીસ પહોંચતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં ગરબામાં રહેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે 12 લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટના શાહીબાગ વિસ્તારમાં બની હતી અને જ્યાં પોલીસ પર હુમલાને પગલે કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પહેલા કોર્પોરેશનના અધિકારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જેના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા જે બાદ હવે પોલીસની ટીમ પર પણ હુમલો થયાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવ દિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી
કંટ્રોલ રુમના કોલને પગલે ગરબા બંધ કરાવવા પહોંચેલી પોલીસ ટીમ સાથે ગરબા રમતા લોકો એ ઘર્ષણ સર્જ્યુ હતુ. જ્યાં બાદમાં સ્થાનિકોએ પોલીસના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે પોલીસનો મોટો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને ઘર્ષણ સર્જનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
વહેલી સવારે બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી. તેમજ આસપાસના સીસીટીવી કબજે કરી ફૂટેજને આધારે પણ અલગ અલગ 14 જેટલા આરોપીઓ ના નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે હજી પણ પોલીસ તપાસ કરી રહી છે કે, અન્ય બે આરોપીઓ ક્યાં છે અને 14 લોકો સિવાય અન્ય કોઈ આ હુમલામાં સામેલ છે કે નહીં.

12 આરોપીઓની ધરપકડ કરાઈ
મહત્વનું છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે ની ઘટનાઓ ગંભીર બાબત પણ માની શકાય.