Breaking News: બલ્ગેરિયન યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં કેડીલાના રાજીવ મોદીને મળી મોટી રાહત, સજ્જડ પુરાવા ન મળતા પોલીસે ફાઈલ કર્યો સમરી રિપોર્ટ
કેડીલાના રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં મોટી રાહત મળી છે. બલ્ગેરિયન યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી વિરુદ્ધ પોલીસને કોઈ સજ્જડ પુરાવાઓ ન મળતા પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઈલ કર્યો છે. સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઈલ કર્યો છે.
રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતિની ફરિયાદ બાદ કોર્ટના આદેશ બાદ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ માટે SIT નિમવામાં આવી હતી. એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળની SITએ જે તમામ આરોપોની તપાસ હાથ ધરી હતી. બલ્ગેરિયન યુવતી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને એક યુવક દ્વારા મદદ કરવામાં આવી હતી તે સહિતના અનેક સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસમાં બે-બે સમન પાઠવ્યા બાદ રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા હતા. અગાઉના સમનના જવાબમાં તેઓ બહાર હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. પોલીસે તેમને મળેલા કોલ ડિટેલ અને અન્ય પુરાવાના આધારે તથા અન્ય જે બાબતો સામે આવી હતી તે તમામ બાબતોની કડીઓ એકત્ર કરીને બલ્ગેરિયન યુવતી દ્વારા જે આક્ષેપ કરાયા હતા તે તેને લગતા કોઈ સજ્જડ પુરાવા ન મળતા આખરે ગઈકાલને કોર્ટને સમરી રિપોર્ટ ભરવામાં આવ્યો છે.
હવે આ રિપોર્ટ બાદ આગળ હાઈકોર્ટને એક રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આ સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશ પર પોલીસ સમગ્ર કાર્યવાહી કરશે. હાલ તો રાજીવ મોદીને આ કેસમાં મોટી રાહત મળી છે. તેમના પર થયેલા ગંભીર આરોપોને પગલે ગુજરાતભરના ઉદ્યોગજગતમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. તેના પર હાલ પુરતો પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે. જો કે એ પણ જોવુ રહ્યુ કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને કોર્ટ દ્વારા શું માર્ગદર્શન આપવામાં આવે છે.
શું હતો સમગ્ર કેસ
કેડીલાના રાજીવ મોદી તેમની સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ અચાનક નાટકીય ઢબે સોલા પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા. બલ્ગેરિયન યુવતીએ તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રાજીવ મોદી અતાનક જ સોલા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા. એ દિવસ હતો 15 ફેબ્રુઆરી. પોલીસે અંદાજે 5 કલાક સુધી તેમની પૂછપરછ કરી. સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું નિવેદન નોંધવામાં આવ્યું. પોલીસ દ્વારા રાજીવ મોદીને હાજર થવા માટે 2 વખત નોટિસ આપવામાં આવી હતી. જે બાદ રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા. SITના વડા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજીવ મોદીની 5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. રાજીવ મોદીએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા. અત્યાર સુધી પોતે કંપનીના કામે બહાર હોવાનું રાજીવ મોદીએ પોલીસ સમક્ષ જણાવ્યું.
દુષ્કર્મની ફરિયાદ બાદ હાઈપ્રોફાઈલ આ કેસમાં અનેક વળાંક આવ્યા
મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. પરંતુ ફરિયાદી યુવતી નિવેદન આપવા નહિં આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાણીતી ફાર્મા કંપની કેડિલાના MD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા અને તેઓ આ કેસમાં કેટલા જવાબદાર છે અથવા ફરિયાદ પ્રમાણે આરોપી છે તો તે અંગેની વિગતો મેળવવા માટે સોલા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
એ પહેલા દુષ્કર્મનો કેસ દાખલ કરનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઇ જતાં અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. જો કે બલ્ગેરિયન યુવતી તેમના વતન પરત જતી રહી હોવાનો ખુલાસો થયો હતો. યુવતીએ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાવવા માટે છેક હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઇકોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કરતાં અંતે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી અને કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચો: જામનગર: નરારામાં 16 હજારથી વધુ પરવાળાને 5 કિમી દૂર સ્થળાંતર કરવામાં મળી સફળતા- જુઓ તસવીરો