
ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના22 વોર્ડમાં અત્યાર સુધીમાં ભાજપે ક્લિન સ્વીપ કરી છે. જેમા ભાજપે આખેઆખી પેનલ કબજે કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 652 મતદારોના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 190 બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જે પૈકી 60 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. અમદાવાદમાં કૂલ 22 વોર્ડ પર ભાજપની આખેઆખી પેનલ જીતી ચુકી છે. જેમા જોધપુર, વેજલુપર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણિનગર, નવરંગપુરા, થલતેજ, અસારવા, સરદાર નગર, વસ્ત્રાલ, સૈજપુર બોઘા, પાલડી અને શાહીબાગ, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર અને બોડકદેવ બેઠકોના પરિણામ સ્પષ્ટ થયા છે. આ તમામ વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ વિજેતા થઈ છે.
આ તરફ વોર્ડ નંબર 18 નવરંગપુરામાં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા થયા છે. નવરંગપુરાથી ભાજપના આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલ, રિતેશ દુધિયા અને હેમંત કાબરા વિજેતા થયા છે.
જ્યારે અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. જેમા ભાગ્યેશ પટેલ, ભારતી બેન ગોહિલ, વિનોદ પટેલ અને નયના કોટકની જીત થઈ છે.
આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર જ્યાં આવેલો છે તે ઘાટલોડિયા વોર્ડમાં પણ ભાજપની આખેઆખી પેનલની જીત થઈ છે. ઘાટલોડિયામાં 85 ટકા મત ભાજપને મળ્યા છે.મુખ્યમંત્રીના મતવિસ્તારના મતદારોએ tv9 સમક્ષ મુખ્યમંત્રીના નેતૃત્વ પર તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે તેમને તમામ સુવિધાઓ આપી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યુ કે આ વિસ્તારમાં વાતાવરણ ડહોળવાનો પ3યાસ કરનારાને જાકારો મળ્યો છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કૂલ 192 બેઠકો પર 652 ઉમેદવારો મેદાને હતા. જ્યારે 2 બેઠકો બિનહરીફ થઈ છે.
આ તરફ દરિયાપુર અને બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની આખેઆખી પેનલની જીત થઈ છે. જોકે ચાંદખેડામાં વોર્ડમાં કોંગ્રેસને ભાગે ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરીનો પરાજય થયો છે. જેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર હતા. ત્યારે કોંગ્રેસ માટે આ મોટા ફટકા સમાન છે. બાપુનગરમાં કોંગ્રેસને ભાગે એક બેઠક આવી છે.
ગત ટર્મની ચૂંટણીની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો પૈકી 159 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 25 બેઠકો કોંગ્રેસને મળી અને 8 બેઠકો પર અન્ય પાર્ટી જીતી હતી.
બપોર સુધીમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા ભાજપના ઉમેદવારોનું વિજય સરઘસ નીકળશે. વિજય સરઘસ સાંજે 5.30 વાગ્યે ખાનપુર કાર્યાલય પહોંચશે. ખાનપુર વિજય સરઘસમાં તમામ ઉમેદવારો નેતાઓ સાથે જોડાશે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ખાનપુર પહોંચશે.
Published On - 2:33 pm, Tue, 28 April 26