અમદાવાદની શાળાને મળેલા બોમ્બ થ્રેટ અંગે મોટો ખુલાસો, રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા કર્યું કૃત્ય, જુઓ MAIL માં શું લખ્યું હતું..
અમદાવાદના SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને ધમકીસભર ઈ-મેલ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલ સંચાલન તરફથી તરત જ પોલીસ અને DEO કચેરીને જાણ કરવામાં આવી, જેને આધારે સુરક્ષા તંત્ર સજાગ બન્યું છે. જોકે આ મેઇલમાં લખવામાં આવેલા લખાણ પરથી શા માટે આવી ધમકી આપવામાં આવી તેનો ખુલાસો થયો હતો.

અમદાવાદના SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઈ-મેલ ‘દિવિજ પ્રભાકર’ નામના વ્યક્તિના નામેથી મોકલાયો છે. મેલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક દુષ્કર્મ પીડિતાને ન્યાય મળે તે માટે શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યો છે અને પોલીસનું ધ્યાન આ કેસ તરફ ખેંચવા માટે આ ધમકી આપવામાં આવી છે.
ઈ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે જો પોલીસે દુષ્કર્મ અને દહેજના કેસમાં યોગ્ય પગલાં નહીં ભર્યા તો સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. આ ઈ-મેલમાં 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર બનેલી દુષ્કર્મની ઘટનાનું ઉલ્લેખ છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસ આ કેસમાં નિષ્ક્રિય રહી છે અને યથોચિત કાર્યવાહી કરવામાં આવી નથી. ઇ-મેલમાં ‘દિવિજ’ નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જેણે યુવતી પર દુષ્કર્મ કર્યાનું તથા તેના માતા-પિતાએ દહેજની માંગણી કર્યાનું કહેવામાં આવ્યું છે.
સ્કૂલ સંચાલકે કરી તાત્કાલિક ફરિયાદ
સ્કૂલના સંચાલક હરેશ વાઢેરે જણાવ્યું હતું કે, ઈ-મેલ મળતાની સાથે જ પોલીસે જાણ કરી દેવામાં આવી હતી. પોલીસની ટીમ અને બોમ્બ સ્ક્વોડ તુરંત સ્કૂલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે, કોઈ વિસ્ફોટક સામગ્રી મળેલી નથી.
દોષિત સામે કાયદેસર કાર્યવાહી થશે: પોલીસ
ઝોન 7ના DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ઇ-મેલ મોકલનારની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેમનો પતો લગાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્કૂલ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ શરૂ
આ મામલે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલ દ્વારા ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂલ પર પોલીસની દેખરેખ રાખવામાં આવી રહી છે અને સ્કૂલ સંચાલનને બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ન આપવા સુચના આપવામાં આવી છે.