Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ હવે અમેરિકા મોકલાશે, જાણો ભારતમાં તેની તપાસ કેમ નથી શક્ય ?
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મળેલા નુકસાનગ્રસ્ત બ્લેક બોક્સને ડેટા રિકવરી માટે અમેરિકા મોકલવામાં આવ્યું છે. ભારતીય નિષ્ણાતોની ટીમ પણ અમેરિકા જશે. ભારતમાં યોગ્ય ટેકનોલોજીના અભાવે આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાની તપાસ માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી મળેલું બ્લેક બોક્સ હવે ડેટા રિકવરી માટે અમેરિકા મોકલવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ બ્લેક બોક્સને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ડેટા મળવામાં મુશ્કેલી આવી રહી છે.
અપેક્ષા હતી કે બ્લેક બોક્સના આધારે દુર્ઘટનાનું ચોક્કસ કારણ ઝડપથી સામે આવશે, પરંતુ વિમાનના ગંભીર નુકસાનને કારણે તે શક્ય બની શક્યું નથી. હાલમાં આ બોક્સને વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ખાતે મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
ભારતીય ટીમ પણ જશે સાથે
બ્લેક બોક્સ સાથે ભારતીય વિશેષજ્ઞોની ટીમ પણ NTSBના અધિકારીઓ સાથે કામગીરીમાં જોડાશે. ભારતીય સરકાર દ્વારા પણ સમગ્ર તપાસ દરમિયાન જરૂરી પ્રોટોકોલનું પાલન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
બ્લેક બોક્સ શું હોય છે?
વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ બે ભાગમાં વહેંચાયેલું હોય છે — Cockpit Voice Recorder (CVR) અને Flight Data Recorder (FDR). આ બંને ઉપકરણો વિમાનની યાત્રા દરમિયાન અવાજ અને ટેક્નિકલ ડેટા સતત રેકોર્ડ કરતા હોય છે. કોઈ પણ દુર્ઘટના પછી આ રેકોર્ડ્સ તપાસ કરીને વિમાનના દુર્ઘટનાના કારણો સમજવામાં આવે છે.
બ્લેક બોક્સ અતિમજબૂત હોય છે અને ભારે તાપમાન અને અથડામણ સહન કરવા સક્ષમ બનેલા હોય છે, જેથી ક્રેશ બાદ પણ તેમાં રહેલો ડેટા બચી રહે.
ભારતમાં કેમ નથી શક્ય?
હાલ ભારતમાં એવું યોગ્ય લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી કે જે વિશ્લેષણ માટે અત્યંત નુકસાનગ્રસ્ત બ્લેક બોક્સમાંથી ડેટા સાફલતાપૂર્વક રિકવર કરી શકે. તેથી તેને અમેરિકામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. તપાસ પૂરી થવા માટે હવે થોડો વધુ સમય લાગી શકે છે.
ગયા ગુરુવારે અમદાવાદથી લંડન જતી એક આંતરરાષ્ટ્રીય ઉડાનના થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ગમખ્વાર દૃશ્યો સર્જાયા હતા. વિમાન જમીન પર ક્રેશ થઈને આગની ઝપટમાં આવ્યું હતું. અકસ્માતમાં 242 મુસાફરોમાંમાંથી 241 લોકોના દુઃખદ અવસાનની પુષ્ટિ થઈ છે. સાથે જ, નજીકની બિલ્ડિંગ સાથે અથડામણના કારણે નજીકમાં રહેલા કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે.
