અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો શુભારંભ કરાયો, યોજનાઓનો કરાશે પ્રચાર
અમદાવાદ શહેરમાં એટલે કે કોર્પોરેશન વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લોકઉપયોગી વિવિધ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર રથ મારફતે કરવામાં આવશે. 17 જેટલી યોજનાઓના પ્રચાર અને પ્રસાર સહિત લાભાર્થીઓને લાભ મળી રહે એ માટેની કામગીરી હાખ ધરાશે. જે શહેર રથ શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે અને યોજનાઓનો વ્યાપ વધારવા માટે જાગૃતિ ફેલાવશે.

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગી શકે તેમ છે. એટલા માટે અત્યારથી જ ભાજપ દ્વારા જાણે કે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ તમામ પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી મંગળવાર, 28 નવેમ્બર, 2023 થી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ દરેક વોર્ડમાં દિવસના 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારશ્રી ની 17 જેટલી યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર તથા લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી કરવામાં આવશે.
સફળ મહિલાઓ અને રમતવીરોનું સન્માન
ભારત સંકલ્પ પાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવા સાથે સફળ મહિલાઓ તથા સ્થાનિક રમતવીરોનું. યોજનાઓના લાભાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા તેમને મેળવેલ યોજનાઓના લાભ વિષે તેમના અનુભવો “મેરી કહાની મેરી જુબાની” દ્વારા જણાવેલ હતી. વિવિધ યોજનાઓના સ્ટોલ રાખી યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવેલ. તથા આરોગ્ય મેળામાં ૬૭૯ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજ રોજ 28 નવેમ્બર, 2023 ના રોજ સવારે વસ્ત્રાપુર એમ્ફી થીયેટરની સામે નો પ્લોટ, વસ્ત્રાપુર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે બપોરે 3.00 કલાકે ખોડીયાર મંદિર પાસે, આંબલી, બોડકદેવ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. વસ્ત્રાપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો માનનીય રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સાંસદ અને મેયર ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, સંસદસભ્ય ડો.કિરીટ સોલંકી, સંસદસભ્ય હસમુખ પટેલ, સંસદસભ્ય નરહરી અમીન, મ્યુનિસિપલ કમિશ્નર, ધારાસભ્ય તથા નવ નિયુક્ત કમિટીના ચેરમેન તથા ડે.ચેરમેન સહીત વિવિધ મ્યુનિ. કાઉન્સીલર તેમજ અ.મ્યુ.કો. ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતા.