અમદાવાદના નીચાણવાળા સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ પાણી, પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઈ જતાં લોકોમાં રોષ
વરસાદ બંધ થયાના 15 કલાક બાદ પણ સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા-મોટા દાવા પાણીમાં ડૂબી ગયા છે.
અમદાવાદ (Ahmedabad) ના નીચાણવાળા સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ પાણી (Water) ઓસર્યાં છે. મેઘરાજા (Rain) એ ખમૈયા કર્યાના 15 કલાક બાદ પણ સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા-મોટા દાવા પાણીમાં ડૂબી ગયા છે. પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે દર વર્ષે થતો કરોડોનો ખર્ચ એળે ગયો છે. અમદાવાદના લોકો સવાલ કરી રહ્યા છે કે શું તે હાલાકી ભોગવવા જ કરોડોનો ટેક્સ ચૂકવે છે ? વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર ઉણું કેમ સાબિત થાય છે તે પણ સવાલ થઈ રહ્યો છે. લોકો પૂછે છે કે શું કરી રહ્યાં છે મનપાના મોટા અધિકારી અને ચૂંટાયેલા નગરસેવકો ? AC ઓફિસોમાં બેસીને વહીવટ કરતા અધિકારીઓ જમીની હકીકતથી અજાણ હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે.
અમદાવાદનો મણિનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પાણી ભરાવાને કારણે લોકોને હોડીમાં અવર જવર કરવાની ફરજ પડી છે. રસ્તા પર હોડી ચલાવવા લોકો મજબૂર બન્યા છે. આ ઉપરાંત શ્યામલ પાસેના કોમ્પ્લેક્સમાં પાણી ભરાયાં છે. આ કોમ્પ્લેક્સના ભોયરાંમાં આખી દુકાનો ડૂબી ગઇ છે. દુકાનદારોને કરોડોનું નુકસાન થયું છે. આનંદનગરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને નુકસાન થયું છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણી ભરાયાં છે. હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલાં છે. લોકોના અને દુકાનોમાં પાણી ઘુસી ગયાં છે. કેટલાક વિસ્તારોમાં અડધો વ્યક્તિ ડૂબે તેટલું પાણી ભરાયું છે. સંખ્યાબંધ ઘરોમાં પાણી ભરાઈ જતાં રહેવાશીઓએ આખી રાત ઘરનો માલસામાન બચાવવા મથામણ કરી હતી.
અમદાવાદના ગુપ્તાનગરના દેવાસ ફલેટમાં ચારથી પાંચ ફુટ જેટલાં પાણી ભરાયાં છે. ગુપ્તાનગરમાં અનેક કાર પાણીમાં ડૂબી ગઈ છે. અનરાધાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. આ ઉપરાંત આંબલી ગામનું તળાવ ભારે વરસાદથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અમદાવાદના કઠલાલમાં પાણી ભરાયાં છે. જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યાં છે. પાલડી વિસ્તારમાં આવેલાં જયરાજ શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાયાં છે. ભોંયરામાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના કારણે વેપારીઓને મોટું નુક્સાન થયું છે. દુકાનમાં રહેલો માલસામાન પલળી ગયો છે.