ભયાનક… ઘરમાં કીલકારી ગુંજે તે પહેલા નીકળી મરણ ચીસ, ‘Baby Shower’ માટે લંડનથી આવેલા દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, જુઓ Video
એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટની દુર્ઘટનામાં ધોળકાના વૈભવ અને જીનલ પટેલનું મૃત્યુ થયું છે. સાત મહિનાની ગર્ભવતી જીનલ સિમંત માટે અમદાવાદ આવી હતી. આ દુર્ઘટનાથી પરિવાર શોકમગ્ન છે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરે છે.

12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ધોળકાના રહેવાસી વૈભવ પટેલ અને તેમના પત્ની જીનલ પટેલનો પણ દર્દનાક અવસાન થયું છે.
દંપતી છેલ્લા દોઢ વર્ષથી લંડનમાં નિવાસ કરી રહ્યાં હતા, પરંતુ જીનલ પટેલ સાત મહિનાની ગર્ભવતી હોવાથી તેમની સિમંત વિધિ માટે તેઓ અમદાવાદ આવ્યા હતા. વિધિ પૂર્ણ થયા બાદ, ગુરુવારના રોજ તેમના પરિવારજનો તેમને એરપોર્ટ પર મુકવા ગયા હતા. પરિવારના કોઈની કલ્પનામાં પણ ન હતું કે આ તેમનું છેલ્લું વિદાયી પ્રસંગ હશે.
દુર્ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. જીનલ પટેલ મૂળ ગોસાઈ પરિવારની દીકરી હતી અને તેમણે તબીબી ક્ષેત્રે અભ્યાસ પણ કર્યો હતો. તેમના મૃત્યુ સાથે સંતાન જન્મના સપનાઓ પણ ભસ્મીભૂત થઈ ગયા છે.
પરિવારે સરકાર સામે અને વિમાન વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
દુર્ઘટનાના સ્થળેથી એક આશ્ચર્યજનક દ્રશ્ય સામે આવ્યું છે. જીનલ પટેલને બાળગોપાળ પર ખૂબ આસ્થા હતી. તેઓ જ્યાં જતાં ત્યાં બાળગોપાળની મૂર્તિ સાથે રાખતા. આશ્ચર્યની વાત એ છે કે દુર્ઘટનાના સ્થળેથી બાળગોપાળની મૂર્તિ સંપૂર્ણ હેમખેમ મળી આવી છે. સમગ્ર પરિવાર અને આસપાસના લોકો માટે આ ઘટનાએ ભક્તિ અને ભરોસાની અભિવ્યક્તિ આપી છે.
