અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીની મદદે વનતારા, પશુ ચિકિત્સક અને પશુ નિષ્ણાતે પૂરી પાડી સેવા…જુઓ Video
અમદાવાદની148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉચ્ચ અવાજ અને ભીડને કારણે ત્રણ હાથીઓ ઉશ્કેરાયા હતા. વનતારાની ઝડપી પ્રતિક્રિયાએ હાથીઓને શાંત કર્યા અને તેમનું સુરક્ષિત સ્થળાંતર કર્યું. વનતારાના નિષ્ણાતો, પશુચિકિત્સકો અને મહાવતોએ તાત્કાલિક સારવાર અને સહાય પૂરી પાડી.
148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાથીઓ ઉશ્કેરાઈ જતા સર્જાયેલી પરિસ્થિતિમાં, વન્યજીવન કલ્યાણ અને સુરક્ષા માટે કાર્યરત સંસ્થા વનતારાએ તરત જ પોતાના નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે મોકલી હતી.
શોભાયાત્રા દરમિયાન ઉચ્ચ અવાજ અને ભારે ભીડના કારણે એક નર હાથી ગભરાઈ જતાં તેણે હરોળ તોડી દીધી અને દોડી ગયો. તેની સાથે અન્ય બે હાથીઓ પણ દોડ્યા, જેના કારણે યાત્રામાં થોડીક સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી.
વનતારાની ઇમરજન્સી ટીમ, જેમાં વન્યજીવ તબીબો, અનુભવી મહાવત અને સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, તાત્કાલિક મદદરૂપ બની. ટીમે હાથીઓનું તબીબી નિરીક્ષણ કર્યું, માનસિક સહાય પૂરી પાડી અને જરૂરિયાત મુજબ સલામત રીતે કાબૂ મેળવ્યો.
ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડૉ. કે. રમેશ (IFS) એ જણાવ્યું કે, “અમે વનતારાને સહાય માટે વાત કરી અને તેમણે ખૂબ જ ઝડપી પ્રતિસાદ આપ્યો. તેમની ટીમે સ્થાનિક તંત્ર સાથે સહકાર આપી હાથીઓના સુરક્ષિત સ્થાનાંતરણની વ્યવસ્થા કરી.”
જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ વનતારાની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, “વનતારાએ હાથીઓને તાત્કાલિક તબીબી સહાય અને પુનર્વસન સુનિશ્ચિત કરવા માટે પ્રસંશનીય પ્રતિબદ્ધતા દર્શાવી.”
વનતારા એશિયાના સૌથી મોટા એલિફન્ટ કેર સેન્ટરનું સંચાલન કરે છે, જે 998 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અહીં 260 જેટલા બચાવાયેલા હાથીઓને સંપૂર્ણ આરામદાયક અને માનવસર્જિત કુદરતી વાતાવરણમાં જીવન વિતાવવાનું સરંજામ આપવામાં આવ્યું છે.
આ કેન્દ્રમાં વિશ્વની સૌથી મોટી હાથીઓ માટેની હોસ્પિટલ પણ કાર્યરત છે, જ્યાં પાયલોટ પદ્ધતિએ થતી સર્જરી અને ઈનોવેટિવ સારવારની પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે – જેમ કે હાથી માટેનો પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર અને મોતિયાની સર્જરી.
અહીં 650થી વધુ વ્યાવસાયિકો, તબીબો, જીવવિજ્ઞાનીઓ અને તાલીમપ્રાપ્ત સંભાળકર્તાઓ કામ કરે છે, જે હાથીઓની શ્રેયસ્કર અને સંવેદનશીલ સેવા માટે પ્રતિબદ્ધ છે.