અમદાવાદમાં નિકોલમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે આક્રોષિત સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, અર્બન હેલ્થ સેન્ટરમાં કર્યા દેખાવો- Video
અમદાવાદના નિકોલમાં છેલ્લા ઘણા ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે સ્થાનિકો અનેક રજૂઆત કરી ચુક્યા છે. છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. આ મુ્દે આક્રોષિત સ્થાનિકોએ મોટી સંખ્યામાં અર્બન હેલ્થ સેન્ટરનો ઘેરાવ કર્યો હતો અને દેખાવો કર્યા હતા.
અમદાવાદમાં નિકોલમાં અમર જવાન સર્કલ અને ગોપાલ ચોકમાં વગર વરસાદે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અહીંના સ્થાનિકોને વગર વરસાદે ચોમાસા જેવી અનુભૂતિ થઈ રહી છે. જેનુ કારણ એ છે કે અહીં છેલ્લા કેટલાય મહિનાઓથી ગટર ઉભરાઈ રહી છે અને આ જ પ્રકારે રસ્તા પરથી ગટરના પાણી વહી રહ્યા છે. સ્થાનિકોએ આ ગંદા, દુર્ગંધ મારતા પાણીમાંથી દરરોજ પસાર થવાની ફરજ પડે છે. પરંતુ બહેરા બનેલા તંત્રના કાને તેમની રજૂઆતોની કોઈ અસર થતી નથી.
ગટરના ગંધાતા પાણી પીવાના પાણી સાથે ભળી ગયા છતા તંત્ર નિંદ્રાધીન
નિકોલ વિસ્તારમાં ન માત્ર એક દિવસથી પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી આ સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગોપાલ ચોકના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ગટરનું ગંધાતુ પાણી પીવાના પાણી સાથે પણ ભળી જાય છે અને જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. અહીં રસ્તાઓ સતત ગટરના પાણીથી ભરાયેલા જ રહે છે. જેના કારણે વાહનચાલકો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના તમામ નાગરિકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે.
ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા ગોપાલ ચોકના સ્થાનિકો ગંદુ પાણી બોટલોમાં ભરી અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચ્યા અને ઉગ્ર દેખાવો કર્યા હતા. સ્થાનિકોનુ કહેવુ છે કે આ ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી ગયા છે છતા તંત્રની આંખ ખૂલતી નથી, તેના જ કારણે આજે તેમને આ ગંગાજળ પીવા આપવા માટે આવ્યા છીએ. સ્થાનિકોએ ભારે હોબાળા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સમગ્ર અર્બન હેલ્થ સેન્ટરને માથે લીધુ હતુ. જો કે સ્થાનિકોનો આક્રોષ પારખી ગયેલા અર્બન સેન્ટરના અધિકારીઓએ પહેલેથી ત્યાંથી રવાના થઈ ગયા હતા.
સ્માર્ટ સિટીના દાવા વચ્ચે છ મહિનાથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા
ત્યારે વિચારવા જેવી બાબત તો એ છે કે સ્માર્ટ સિટીનો દાવો કરતી મહાનગરપાલિકા જો લોકોને ચોખ્ખુ પીવાનુ પાણી અને ચોખ્ખા રોડ રસ્તાની સુવિધા પણ આપી શક્તી ન હોય તો એસી ઓફિસોમાં બેસીને એ અધિકારીઓ કરી શું રહ્યા છે. સ્થાનિકો રસ્તા પર ઉતરી દેખાવો ન કરે ત્યા સુધી કેમ તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી? ટેક્સ ભરવા છતા નિકોલના સ્થાનિકોને પાયાની સુવિધા નથી મળી રહી.
કામ ન કરતા કોર્પોરેટરો, ધારાસભ્યોના કાઢો વરઘોડા- સ્થાનિકો
અમર જવાન સર્કલના સ્થાનિકોની રજૂઆત છે કે છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જાય છે તો એક જ જવાબ મળે છે કે પાછળનું પમ્પિંગ સ્ટેશન ભરાયેલુ છે તેના કારણે આ પાણી ભરાય છે. અવારનવાર ટેન્કર મોકલીને એક બે દિવસ પૂરતી સમસ્યાનું નિરાકરણ આવે છે પરંતુ કાયમી નિવેડો કોર્પોરેશ દ્વારા લાવવામાં આવતો નથી. આક્રોષિત સ્થાનિકોની માગ છે કે કામ ન કરતા કોર્પોરેટરો અને ધારાસભ્યોના વરઘોડા કાઢો. છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે. જો ટેક્સ ભરવા છતા સુવિધા ન આપી શક્તા હોય તો હવે તેમના પણ વરઘોડા કાઢવા જોઈએ. હાલ તો નિકોલના સ્થાનિકોની આ સમસ્યાને tv9 દ્વારા વાચા આપવામાં આવી છે અને તેનો અવાજ બન્યુ છે પરંતુ તંત્ર ક્યારે તેમની જવાબદેહી સમજી કામગીરી કરે છે તે જોવુ રહ્યુ.