અમદાવાદ: G-20 સમિટના ઉપલક્ષ્યમાં 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન શેરપા ઈન્સેપ્શન બેઠક, આ 6 મુખ્ય પ્રાથમિકતા રહેશે
Ahmedabad: અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઈન્સેપ્શન બેઠક યોજાશે. આ પછી જુલાઈમાં મેયર્સ સમિટ યોજાશે. જેમા G-20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. આ બેઠકની મુખ્યત્વે 6 પ્રાથમિક્તાઓ રહેશે.
અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. એ પછી જુલાઇમાં મેયર્સ સમિટ યોજાશે જેમાં જી-20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. અમદાવાદમાં યોજાનાર બેઠકનો હેતુ ‘ઇન્ટેન્શન ટૂ એક્શન’ છે. એટલે કે અગાઉની 5 સમિટમાં જે ઈચ્છાઓ, આકાંક્ષાઓ નક્કી થઈ હતી એના પર અમદાવાદમાં નક્કર પગલાં ભરવામાં આવશે. આ અર્બન-20 બેઠકની મુખ્ય 6 પ્રાથમિકતા રહેશે.
- પર્યાવરણને અનુરુપ વર્તન માટે પ્રોત્સાહન
- જળ સુરક્ષા
- ક્લામેટ ફાયનાન્સને પ્રોત્સાહન
- સ્થાનિક ઓળખની જાળવણી
- શહેરી વહીવટ અને આયોજનમાં નવા પ્રયોગો
- ડિજીટાઇઝેશન દ્વારા વહીવટી, સેવાઓમાં સુધાર
અર્બન-20 એન્ગેજમેન્ટ ગ્રૃપની બેઠક માટે અમદાવાદ યજમાન છે. આ બેઠકનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર્સના કાર્યાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ અર્બન અફેર્સ (એનઆઇયુએ) ટેકનીકલ સહાયતા પૂરી પાડી રહ્યું છે. જ્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ માર્ગદર્શન અને સહકાર પૂરા પાડવામાં આવી રહ્યાં છે. અર્બન-20 બેઠકમાં મેયર્સ તથા નોમિનેટેડ શેરપાઝ જોડાશે. સાથે જ આમંત્રિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જોડાશે.
અમદાવાદમાં યોજાનાર બેઠકનો મૂળ હેતુ ઈરાદાઓને નક્કર કાર્યવાહીમાં તબદીલ કરવાનો છે. U-20 શહેરોના લીડર્સ તથા શેરપા આવતા મહિને અમદાવાદમાં આ કાર્યવાહીની રુપરેખા નક્કી કરશે. એક અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની બે તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. જ્યારે કુલ ઊર્જાનો 75 ટકા હિસ્સો વિશ્વના શહેરોમાં વપરાય છે અને આટલા જ પ્રમાણમાં ઉત્સર્જન પણ થાય છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સૌથી પહેલી અસર પણ શહેરો જ અનુભવે છે.
દેશમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે એ G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપે ઇ-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.
U-20 સાઇકલની 5 બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે. U-20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી જયારે 2021માં ઇટલીના રોમમાં, 2020માં રિયાધમાં તથા 2019ની U- 20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી.