Ahmedabad true Story: ચિક્કાર પાણી વચ્ચે પાંચ વર્ષનાં મુસ્લિમ બાળકના જીવને બચાવવા પાંચ ફૂટ પાણીમાં પોલીસ અને હિંદુ દંપતિએ લોહી પાણી એક કર્યા
5 વર્ષના મુસ્લિમ બાળકને બચાવવા હિન્દુ દંપતિ જળબંબાકાર સ્થિતિ (Waterlogged condition) માં મદદે પહોંચ્યુ, હોસ્પિટલમાં જ પડી ગયેલા બાળકને લોહી(Blood)ની તાત્કાલિક જરૂર હોવાથી દંપતિ કેડસમાણા પાણીમાં લોહી માટે દોડ્યા, ટુ વ્હિલર ન પહોંચી શકતા અંતે સેટેલાઇટ પોલીસની મદદ માંગી અને પોલીસ દેવદૂત બનીને હોસ્પિટલ લઇ ગઇ

True Story: રવિવારની રાત્રે જ્યારે અમદાવાદ(Ahmedabad)માં શ્રીકાર વરસાદ હતો, લગભગ આખા અમદાવાદમાં જળબંબાકાર(Water Lodging)ની સ્થિતિ હતી ત્યારે સીમ્સ હોસ્પિટલમાં મહારાષ્ટ્ર(maharashtra)ના એક પાંચ વર્ષના આબેદુલ રહેમાનને લોહીની તાત્કાલીક જરૂર પડી હતી. જો આબેદુલને રાત્રે જ લોહી ન મળે તો તેનું બચવું અશક્ય હતું. આવામાં એક સેવાભાવી સંસ્થા જોડે જોડાયેલા દંપતિને આ મેસેજ મળ્યો અને બન્ને પોતાના બે નાના બાળકોને ઘરે મુકીને કેડસમા પાણીમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઇ રહેલા બાળક માટે લોહી લેવા દોડ્યા હતા. એક તબક્કે તેમનું ટુ વ્હિલર ડૂબી જાય તેટલા પાણીમાં ફસાઇ ગયા બાદ દંપતિએ અમદાવાદ પોલીસ(Ahmedabad Police)ની મદદ માંગી અને પોલીસ(Gujarat Police) પણ દેવદૂત બની દોડી આવી અને ત્રણ કલાકની જહેમત બાદ બાળકને વરસતા વરસાદે લોહી પહોંચાડી માનવતા મહેકાવી હતી.
રવિવારની રાત્રે અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં હતા. ભારે વરસાદમાં શહેરમાં ચારેકોર પાણી જ પાણી હતું. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી. રાત્રે 11 વાગ્યા સુધીમાં અમદાવાદ જળમગ્ન બની ગયું. અનેક વિસ્તારોમાં કેડસમાણા પાણી હતા, કેટલીક જગ્યાએ તો બેઝમેન્ટ પાર્કિંગ અને અંડરપાસ છલોછલ થઇ ગયા હતા તો ક્યાંક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. લગભગ અમદાવાદીઓ જાગતા હતા અને ઘણા વર્ષો પછી વરસાદીની આવી તોફાની બેટીંગની જ ચર્ચા હતી.
ઠેરઠેર રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. આવી રાતે નારણપુરામાં રહેતા કૃતિ જોષી પર તેમની એક સેવા ભાવી સંસ્થામાંથી ફોન આવ્યો અને જણાવ્યું કે, સીમ્સ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના પાંચ વર્ષના પેશન્ટનું ચારેક દિવસ પહેલા જ બોર્નમેરોનું ઓપરેશન થયું છે. હોસ્પિટલમાં દાખલ આ બાળક હોસ્પિટલમાં જ પડી ગયો છે અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું છે. તેને તાત્કાલીક લોહીની જરૂર છે. આ સંસ્થાના અનેક લોકો પહેલા બાળકને લોહી પહોંચાડવા પ્રયાસ કરી ચુક્યા હતા પરંતુ ચિક્કાર પાણીના કારણે તેને મદદ પહોંચાડવી શક્ય નહોતી. બ્લડબેન્કના કર્માચરીઓ પણ બ્લડ આપવા તૈયાર હતા પરંતુ જીવરાજ મહેતા હોસ્પિટલ આસપાસ ચારથી પાંચ ફૂટ પાણીમાં કોઇ બ્લડ લઇને હોસ્પિટલ સુધી જઇ શકે તેવી સ્થિતિ નહોતી.
નખમાં ફાંસ વાગ્યાની પીડા તો જેને વાગી હોય તે જ સમજી શકે…! કૃતિ જોષી અને તેમના પતિ મુકેશ જોષી પોતાના બે બાળકોને ઘરે મૂકિને એક અજાણ્યા બાળક માટે લોહી લેવા નિકળી પડ્યા. પોતાના બાઇક પર જવાય તેટલે સુધી તો પહોંચ્યા પરંતુ શિવરંજની અને ત્યાંથી આગળ માણેકબાગ વિસ્તારમાં આગળ જવું શક્ય ન હતુ. રાતના 11 વાગી ગયા હતા અને બીજી તરફ હોસ્પિટલમાં બાળક લોહી વગર કણસી રહ્યું હતુ. દંપતિ રસ્તાની સાઇડમાં ઉભા રહીને આગળ કેમ જવું? તે વિચારી રહ્યાં હતા ત્યાંજ કુદરતે જાણે મેસેન્જર મોકલ્યા હોય તેમ અમદાવાદ પોલીસની એક પીસીઆર વાન ત્યાં આવીને ઉભી રહી.
બન્નેને ઉભેલા જોઇ પોલીસે પુછ્યું, “આટલા વરસાદમાં શું કરો છો?”, બન્નેએ સ્થિતિ જણાવી તો પોલીસકર્મી બોલ્યો “તેમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરો તમને મદદ મળી જશે”. મુકેશ ભાઇ અને તેમના પત્નીએ વારંવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા પણ ફોન સતત વ્યસ્ત આવતા બન્ને માટે સ્થિતિ વધુ મુંઝવણ ભરી બની. આટલી રાતે હવે કોની મદદ માંગવી અને કોઇને મદદ કરવી પણ હોય તોય ધોધમાર ચાલુ વરસાદમાં કોઇ આવી પણ કેવી રીતે શકે. મુકેશભાઇએ અંતે તેમના એક પરિચિતને ફોન કર્યો જેના પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધ હતા.
અંતે આખી ઘટનાની જાણ શહેર પોલીસ કમિશનર સંજય શ્રિવાસ્તવના સ્કવોડના પી.આઈ ટી.આર ભટ્ટને કરાઇ. પી.આઈ તરલ ભટ્ટે તાત્કાલીક મદદ માટે હા પાડી અને સેટેલાઇટ પી.આઈ દિપક મહેતાનો નંબર આપી વાત કરવા કહ્યું. પી.આઈ દિપક મહેતાએ એટલી જ ઝડપથી રિસ્પોન્સ આપ્યો અને એક પીસીઆર વાન મુકેશ જોષી અને તેમના પત્ની પાસે મોકલી આપી. પી.સી.આર વાન આવે તે પહેલા પી.આઈ મહેતાના માણેકબાગ પાસે રહેતા મિત્ર ધૃમિલ ગઢવી પણ દોડી આવ્યાં.
જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી બ્લડ બેન્ક સુધી પહોંચવાના પ્રયાસ શરૂ થયા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલિપસિંહ અને વિક્રમસિંહ પીસીઆર વાન લઈને દોડી આવ્યાં. તમામ હવે પોલીસની ગાડીમાં બેસીને ચાર-ચાર ફૂટ પાણીમાં રવાના થયા. જો કે, બ્લડ બેન્ક સુધી પહોંચતા પાણી વધવા લાગ્યુ અને પોલીસની ગાડી પણ અંદર જઇ શકે તેવી સ્થિતિ ન હતી. આવામાં બ્લડબેન્કના કર્મચારીઓએ પણ હિંમત બતાવી અને એકાદ કિલોમિટર સુધી પાંચ-પાંચ ફૂટ પાણીમાં ચાલતા બ્લડ લઇને પોલીસ જીપ સુધી પહોંચ્યા. બીજી તરફ સેટેલાઇ પી.આઈ દિપક મહેતા અને પીસીબી પીઆઈ તરલ ભટ્ટ પણ ક્યાંય મદદમાં ખોટ ન આવે તે માટે જાગતા હતા અને સતત પીસીઆર વાનનાં પોલીસ કોન્સ્ટેબલ સાથે વાત કરી રહ્યાં હતા.
રાતના 1 વાગી ગયા હતા. બ્લડ મળતા જ હવે પીસીઆર વાન સિમ્સ હોસ્પિટલ તરફ પુર ઝડપે રવાના થઇ અને રાત્રે 1.20 વાગ્યે બાળકને લોહી પહોંચાડી દેવાયું. ડોક્ટરોના મતે જો રાતે 2 વાગ્યા સુધીમાં બ્લડ મળ્યું ન હોત તો બાળકનું બચવું અશક્ય હતુ. એક અજાણ્યા બાળકને મદદ કરવાની ખેવનાની સંઘર્ષ કહાનીનો ત્રણેક કલાકે સુખદ અંત આવ્યો અને બાળક જોખમમાંથી બહાર આવી ગયું.