Ahmedabad: ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ટ્રાફિક વિભાગના પ્રયોગે સમસ્યા વધારી, 108 અને ફાયર બ્રિગેડને પણ પડી રહી છે મુશ્કેલી
માહિતી પ્રમાણે ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા અગાઉ સોનીની ચાલી પાસે આ પ્રયોગ કર્યો હતો. જે સફળ રહેતા તેને કાયમી કરી દેવાયો. જે બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની સમસ્યા હલ કરવા માટે CTM ચાર રસ્તા પર એક પ્રયોગના ભાગ રૂપે બેરીકેટિંગ કરાયુ છે.
અમદાવાદનો (Ahmedabad) વ્યાપ અને વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા પણ વધતી જઈ રહી છે. આ સમસ્યા દૂર કરવા ટ્રાફિક વિભાગ (Traffic Department) સતત અલગ અલગ પ્રયાસ હાથ ધરી રહ્યું છે. જે પ્રયાસના ભાગ રૂપે ટ્રાફિક વિભાગે પ્રયોગ સ્વરૂપે CTM બ્રિજ નીચે બેરીકેટિંગ કરી રસ્તો બંધ કરી દીધો છે. જોકે તેના કારણે સમસ્યા હલ થવાનું તો દૂર પણ લોકો માટે હાલાકી સર્જાઈ છે. આ વાતનો આક્ષેપ CTM વિસ્તારના લોકો જ કરી રહ્યા છે.
ટ્રાફિક સમસ્યા નિવારણના પ્રયોગે વધારી સમસ્યા
CTM સર્કલ પર બે બ્રિજ છે. એક બ્રિજ હાટકેશ્વરથી રામોલ પોલીસ સ્ટેશન તરફ જવાના રોડ પર છે. જ્યારે બીજો બ્રિજ તેની જ ઉપર હાટકેશ્વરથી એક્સપ્રેસ હાઈવે તરફ જાય છે. જે રસ્તા પરથી લોકો પસાર થઈ શકે છે પણ જે રીતે બ્રિજની નીચે ચાર રસ્તા પર બેરીકેટિંગ કર્યું છે તો રામોલ તરફથી રબારી કોલોની BRTS રૂટ પર CTM તરફ જવું હોય તો ફરીને જવું પડે છે. જેથી લોકોનું કહેવું છે કે વધુ ભાવના પેટ્રોલ સામે લોકોને નુકસાન જઈ રહ્યું છે. વધુ કિલોમીટર ફરીને જવાના કારણે તેમનો સમય અને પેટ્રોલ બંને બગડી રહ્યા છે.
ચાલીને જતા લોકોને પણ હાલાકી
બીજી તરફ ચાલીને પસાર થવા વાળા લોકોને પણ હાલાકી પડી રહી છે. બેરીકેટિંગ નીચે નમીને ચાલીને જવું પડે છે જે જોખમી બની શકે છે. એટલું જ નહીં પણ બેરીકેટિંગ તાર એવી રીતે બાંધી દેવામાં આવ્યા છે કે 108 અને ફાયર બ્રિગેડને પણ પસાર થવામાં હાલાકી પડે છે. જેથી લોકોની માગ છે કે CTM ચાર રસ્તા પર ટ્રાફિક જવાનો દ્વારા યોગ્ય મેનેજમેન્ટ કરી અથવા સિગ્નલ મૂકી નિયમ ભંગ કરનારને દંડ કરી સબક શીખવાડવામાં આવે, જેથી નિર્દોષ લોકોને હાલાકી ભોગવવી ન પડે.
અગાઉના સફળ પ્રયોગ બાદ કાયમી કરાઈ કામગીરી
મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક વિભાગ દ્વારા અગાઉ સોનીની ચાલી પાસે આ પ્રયોગ કર્યો હતો. જે સફળ રહેતા તેને કાયમી કરી દેવાયો. જે બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની સમસ્યા હલ કરવા માટે CTM ચાર રસ્તા પર એક પ્રયોગના ભાગ રૂપે બેરીકેટિંગ કરાયુ છે. જોકે તેનાથી લોકોની સમસ્યા હલ થવાને બદલે વધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ પ્રયોગ યથાવત રખાય છે કે પછી ટ્રાફિક વિભાગ અન્ય પ્રયોગ હાથ ધરે છે અને લોકોની સમસ્યા દૂર થાય છે કે કેમ.