પદ્મ વિજેતાની ખુશીની પળો! જુનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક ‘હાજી રમકડું’ને મળશે રાષ્ટ્રીય સન્માન ‘પદ્મશ્રી’ – જુઓ Video
‘હાજી રમકડું'ના નામથી પ્રખ્યાત એવા જૂનાગઢના ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. હાજીભાઈ ભજન, સંતવાણી અને ડાયરા સહિતના કાર્યક્રમોમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે.
કળા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા જુનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ, જેઓ લોકપ્રિય રીતે ‘હાજી રમકડું’ તરીકે ઓળખાય છે, તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભજન, સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમોમાં પોતાની અનોખી છટાથી ઢોલક વગાડીને મંત્રમુગ્ધ કરનારા હાજીભાઈએ કળા જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. હાજીભાઈની સેવાકીય ભાવના પણ અદભૂત છે.
તેમણે ગાયોના લાભાર્થે યોજાયેલા 20 હજારથી વધુ કાર્યક્રમોમાં નિઃશુલ્ક ઢોલક વાદન કર્યું છે. આ ઉપરાંત તેઓ 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ્સમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. સમાજમાં કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક સમાન હાજીભાઈના નામની જાહેરાત થતા જ સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
એવોર્ડ જાહેર થયા બાદ ખુદ હાજીભાઈએ પણ પોતાના આગવા અંદાજમાં ઢોલક વગાડીને આ સન્માન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હાજીભાઈએ TV9 સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, મને પદ્મશ્રી નરેન્દ્ર મોદીના હાથથી મળશે, તેવી ખાતરી હતી. વધુમાં કહ્યું કે, આખી જિંદગી તેમણે પોતાની તપસ્યા ઢોલક અને પદ્મશ્રી માટે સમર્પિત કરી છે તેમજ સમગ્ર ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
