સુરતના નિલેશ માંડલેવાલાનું પદ્મશ્રીથી કરાયુ સન્માન, 1300થી વધુ અંગોનું દાન કરાવી અનેક જરૂરતમંદોને આપ્યુ છે નવજીવન
સુરતના સામાજિક કાર્યકર નિલેશ માંડલેવાલાને પદ્મ શ્રી પુરસ્કાર જાહેર થતા સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી વ્યાપી છે. 'ડોનેટ લાઈફ' સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં 1360થી વધુ અંગોનું દાન કરાવી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી લાવનારા માંડલેવાલાને આ સન્માન મળ્યું છે.
77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારો-2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના ત્રણ રત્નો પૈકીના એક સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય ક્ષેત્રે ‘પદ્મ શ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સમાચાર મળતા જ સુરત સ્થિત તેમના નિવાસસ્થાને પરિવારજનો અને મિત્રોએ મીઠાઈ ખવડાવી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
સેવાની શરૂઆત અને સફળતા
નિલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના ‘ભીષ્મ પિતામહ’ તરીકે ઓળખાય છે. તેમણે વર્ષ 2006માં ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં આ સંસ્થાના માધ્યમથી કિડની, લિવર, હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ અને હાથ જેવા 1300થી વધુ અંગો તેમજ ટિશ્યુઓનું દાન કરાવી અનેક જરૂરિયાતમંદોને નવજીવન આપવામાં આવ્યું છે.
પ્રેરણાત્મક પ્રવાસ
આ સેવાનો વિચાર તેમને પિતાની માંદગી દરમિયાન આવ્યો હતો. તેમના પિતાની કિડની નિષ્ફળ જતા વર્ષ 2004 થી 2011 સુધીના ડાયાલિસિસના કપરા કાળ દરમિયાન તેમણે દર્દીઓની વેદનાને નજીકથી નિહાળી હતી. પિતાના અવસાન બાદ, આ પીડાને સેવામાં પરિવર્તિત કરી તેમણે અંગદાન જાગૃતિનું અભિયાન શરૂ કર્યું, જે આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. તેમની આ નિઃસ્વાર્થ સેવાને આજે ભારત સરકારે પદ્મ સન્માન આપી બિરદાવી છે.

