Ahmedabad: જગન્નાથ મંદિરમાં લઈ શકાશે વેક્સિનેશનનો લાભ, પોલીસ જવાનો માટે ટેલિમેડિસીન સેવા શરૂ

Ahmedabad : રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે, ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • Updated On - 6:28 pm, Thu, 24 June 21 Edited By: Kunjan Shukal
Ahmedabad: જગન્નાથ મંદિરમાં લઈ શકાશે વેક્સિનેશનનો લાભ, પોલીસ જવાનો માટે ટેલિમેડિસીન સેવા શરૂ
જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ

Ahmedabad: અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાનેથી ભગવાન જગન્નાથની જળયાત્રા(Jal yatra) યોજાઈ હતી. આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા કળશની પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમાં સહભાગી થયા હતા.

 

રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે, ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર(Jagannath temple) ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે.

 

જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિ:શૂલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઈ હતી. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઈ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો.

 

ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે. ત્યારે શાંતિ-સલામતી-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રિમતા છે.

 

કોમી એકતા અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ આખાની આસ્થા કેન્દ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે. આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને આ મંત્રોચ્ચારે શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે.

 

જગન્નાથ મંદિરમાં સ્વામી શ્રી દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા દ્વારા સમાજ ઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા છે. આજે આ સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં (vaccination camp) સહભાગી બનવા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે.

 

જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસીન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પદ્ધતિએ તેમના ભક્તો, નાગરિકો, સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની કેડી કંડારી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ વર્ષે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો, મહંતો, સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati