ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ કોર્પોરેશન અને પોલીસની ખાસ ઝુંબેશ, પોલીસે સાત દિવસમાં 116 કેસ કર્યા
અમદાવાદમાં શહેરમાં મનપા અને પોલીસની કામગીરીથી રસ્તે રખડતા ઢોર ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઝુંબેશ ક્યાં સુધી કાર્યરત રહેશે અને શહેરીજનોને ક્યાં સુધી આ જ પ્રકારે રખડતા ઢોરનો ત્રાસથી મુક્તિ મળી રહેશે

ગુજરાત હાઈકોર્ટની (Gujarat Highcourt) ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC)સાથે અમદાવાદ શહેર પોલીસ (Police) પણ સફાળી જાગી છે અને અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. પોલીસની આ ખાસ ઝુંબેશમાં પોલીસ કમિશનર નાં જાહેરનામાં મુજબ રોડ પર કે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહીં છે. મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણા જિલ્લામાં ગાયે અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. જે બાદ રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તેવા અવિરત પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રોડ પર કે કોઈ પણ રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ગાયો રોડ પર ભેગી થાત તેવા તમામ ઘાસચારાના વેચાણ કર્તાઓ સામે પગલાં લેવામાં આવશે તેવું જાહેરનામું પણ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જોકે મનપા અને પોલીસની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આજે માલધારીઓ દ્વારા રેલી કાઢી વૈકલ્પિક નિયમની પણ માંગ કરવામાં આવી હતી.
શહેરભરમા ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે
જે રીતે લાંબા સમયથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો થવાના કિસ્સાઓ બની રહ્યા હતા. રખડતા ઢોરના વધતા ત્રાસને લઇને ગુજરાત હાઈકોર્ટે આ મામલે ગંભીરતા દાખવી સ્થાનિક તંત્રને ત્વરીત પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ શહેરભરમા ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને શહેર ટ્રાફિક પોલીસે 26મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી આ જ પ્રકારની કાર્યવાહી કરતી અને જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરી અકસ્માતને આવકારતા વ્યક્તિઓ સામે કેસ કર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 116 જેટલા કેસ સમગ્ર અમદાવાદમાં કરવામાં આવ્યા છે અને સૌથી વધુ કેસ પૂર્વ વિસ્તારમાં કરાયા છે.
કુલ મળીને 116 કેસ કરવામા આવ્યા
ટ્રાફિક પોલીસે ઘાસચારા અંગે કરેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 35 કેસ, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 20 કેસ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ઝોન -1 માં એક પણ કેસ નોંધાયો નથી, ઝોન -2 માં 8 કેસ, ઝોન -3 માં 2 કેસ, ઝોન -4 માં 11 કેસ, ઝોન -5 માં 21 કેસ, ઝોન-6 માં 8 કેસ અને ઝોન -7 માં 11 કેસ એમ કુલ મળીને 116 કેસ કરવામા આવ્યા છે. હાલતો થોડા દિવસોથી શહેરમાં મનપા અને પોલીસની કામગીરીથી રસ્તે રખડતા ઢોર ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઝુંબેશ ક્યાં સુધી કાર્યરત રહેશે અને શહેરીજનોને ક્યાં સુધી આ જ પ્રકારે રખડતા ઢોરનો ત્રાસથી મુક્તિ મળી રહેશે તે જોવાનું રહ્યું છે.