અમદાવાદમા ક્રેટા કારમાં હરતા ફરતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કરતું સ્ટેટ મોનીટરિંગ સેલ, ચોરખાનાનો વીડિયો જોઈ તમે પણ ચોંકી ઉઠશો
અમદાવાદમાં કઠવાડા નજીકથી એસએમસીએ ક્રેટા કારમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. ખુરાફાતી ભેજાબાજે કારમાં અલગ અલગ પાંચ ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત 8.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા ચમનરામ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી છે.
ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં રોજ લાખો રૂપિયાનો દારૂ ઠલવાય છે, પીવાય છે અને પકડાય પણ છે. એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અહીં જેને જ્યારે જોઈએ ત્યારે છૂટથી દારૂ મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તો પોલીસની જ મિલિભગતથી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમે છે. આજ વાતની સાબિતી પુરે છે અમદાવાદમાં આજે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલા દરોડાની કામગીરી.
અમદાવાદ સ્ટેટ મોનિટરીંદગ સેલના દરોડા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાંથી લાખોની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આજ સિલસિલામાં અમદાવાદના કઠવાડા વિસ્તારમાંથી એક ક્રેટા કારમાંથી પણ અસંખ્ય દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
દારૂ સંતાડવા ક્રેટા કારમાં બનાવ્યા 5 ચોરખાના
ક્રેટા કારમાં ખુરાફાતી દિમાગના ભેજાબાજોએ કારની ડિકીમાં, કારની ટેલ લાઈટ સહિત અનેક જગ્યાઓએ દારૂ સંતાડ્યો હતો. જે જોઈને બે ઘડી તો પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. કારમાં દારૂ છુપાવવા માટે અલગ અલગ પ્રકારના પાંચ ચોરખાના બનાવવામાં આવ્યા હતા. એસપી રિંગ રોડ પરથી પકડાયેલી દારૂ ભરેલી આ કારમાંથી કુલ 8.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને દારૂનો ધંધો કરનારા ચમનારામ ચૌધરીની ધરપકડ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન અન્ય બે આરોપી ફરાર થઈ ગયા હતા.
વાડજમાં ભોંયરામાં સંતાડ્યો હતો દારૂ
એસએમસીએ કરેલા દરોડાની વાત કરીએ તો SMCની ટીમે ઓઢવ, નિકોલ, વાડજ, સોલા, ચાંદલોડિયા અને કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડિયામાં રેલવેના છાપરામાં રેડ પાડીને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 125 લીટર દારૂ સાથે દારૂનો અડ્ડો ચલાવનાર સહિત 38 લોકોની પણ ઝડપી પડાયા છે. આ કામગીરી દરમિયાન સૌથી વધુ ચોંકાવનારા દૃશ્યો વાડજમાંથી સામે આવ્યા.
જ્યાં દારૂ છુપાવવા માટે બુટલેગરે ભોંયરુ બનાવ્યુ હતુ અને તેના પર હાઈડ્રોલિક દરવાજો લાગેલો હતો. આ દરવાજો બંધ થયા બાદ અણસાર પણ ન આવે કે અહીં કોઈ ભોંયરું હશે. એટલું જ નહીં. ભોંયરાની અંદર પણ બીજું નાનું ભોંયરું તૈયાર કરવામાં આવ્યું હતું. દૃશ્યો જોઈને સ્પષ્ટ હતું કે ખૂબ જ પ્લાનિંગ સાથે ભોંયરું તૈયાર કરાયું હતું. જેથી. આવી કોઈ જગ્યા પર દારૂનો જથ્થો હોઈ શકે. તેવી શંકા પણ ન જાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો