અમદાવાદમાં સરખેજ પોલીસે ડ્રાઈવરો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવતા પાંચ લોકોની ધરપકડ કરી
સરખેજ પોલીસે કુલ આઠ લોકો વિરોધ ગુનો દાખલ કરીને હાલ પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાં એક આરોપી સંજય ભરવાડ ઉર્ફે માસ્ટર જે પોતે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે
અમદાવાદ(Ahmedabad)શહેરના સરખેજ(Sarkhej)પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉજાલા સર્કલ પાસે ટ્રાવેલ્સના ફેરા મારતા ડ્રાઇવરો (Driver)પાસેથી નાણાંની ઉઘરાણી કરતા પાંચ વ્યક્તિઓને સરખેજ પોલીસે દબોચી લીધા છે. જ્યારે અન્ય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આજથી થોડાક દિવસો અગાઉ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ઉજાલા સર્કલ પાસેથી ટ્રાવેલ્સના ફેરા મારતી વખતે રોડ પર ઊભા રહેવાની બાબતે એક ગાડી દીઠ 100 અથવા તો 200 રૂપિયાની માંગણી કરાઈ રહી છે અને આ માંગણી વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા આ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે .
પોલીસે કુલ આઠ લોકો વિરોધ ગુનો દાખલ કરીને હાલ પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાં એક આરોપી સંજય ભરવાડ ઉર્ફે માસ્ટર જે પોતે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આવી ગુંડાગીરી પણ કરે છે.
સરખેજ પોલીસ સ્ટેશનની ગિરફતમાં ઉભેલા આ તમામ આરોપીઓ પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક શિક્ષક તરીકે નોકરી કરે છે અને રોડ ઉપર હપ્તા પણ ઉઘરાવે છે. સંજય ભરવાડ ઉર્ફે માસ્ટર નામનો આ વ્યક્તિ વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ પૂરું પાડતું હશે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. કેમ કે તે બહાર લોકો પર દાદાગીરીના પાઠ અજમાવે છે.
જે ઉજાલા સર્કલ પાસે ઉભી રહેતી ઇકો ગાડીના ડ્રાઈવર પાસેથી પેસેન્જર દીઠ 10 રૂપિયા અથવા તો એક ગાડીના 100 થી 200 રૂપિયા આ ટોળકી દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી ત્રાસી ઉઠેલા ટ્રાવેલ્સ ચાલકોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતની ફરિયાદ કરી અને સરખેજ પોલીસે છટકું ગોઠવીને આ તમામ લુખ્ખા તત્વો માંથી માત્ર 5 લોકોને દબોચી લીધા હતા.
સરખેજ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે પોલીસે છટકું ગોઠવ્યું જેમાં ઈકો ગાડીમાં પોલીસ કર્મીઓ ડ્રાઇવર વેશમાં ઉજાલા સર્કલ પાસે ફેરા મારવા માટે ઉભા રહ્યા, અને ડ્રાઇવરના સ્વાંગમાં આવેલા પોલીસ કર્મચારીઓ પાસે આ અસામાજિક તત્ત્વોએ રૂપિયાની માંગણી પણ કરી અને ત્યારબાદ આ તમામે તમામ આરોપીઓ જેઓ ઉઘરાણીના રૂપિયા ગણતા હતા તે તમામને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે આ ઉઘરાણીનો સિલસિલો આજ કાલનો નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતો આવતો હતો ત્યારે પોલીસે હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરીને અન્ય બીજા આરોપીઓની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે…
અમદાવાદ શહેરના ઉજાલા સર્કલ પાસે જ આવા અસામાજીક તત્વો છે તેવું નથી પરંતુ શહેરના બરોડા એક્સપ્રેસ હાઈવે એટલે કે સીટીએમ પાસે પણ ટ્રાવેલ્સના ફેરા મારતા લોકો ને કાંતો પોલીસને હપ્તો આપવો પડે છે કાંતો પછી આવા જ કેટલાક લુખ્ખા તત્વોને પૈસા આપવા પડતા હોય છે.
પરંતુ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીઓ એ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ એક મુહિમ ઉપાડવી જોઈએ. જેથી કરીને મહેનત કરીને જે લોકો પોતાનું પેટીયું રળતા હોય છે તેવા લોકોને આવા અસામાજીક તત્વોથી છુટકારો મળી શકે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલ-ઘુમાવાસીઓને વધુ ટેક્સ ભરવો પડશે, AMCમાં ભેળવ્યાના એક જ વર્ષમાં ટેક્સમાં વધારો