Ahmedabad : શિક્ષણ મંત્રીની હાજરીમાં જ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, આ યોજના વૈકલ્પિક હોવાનો શિક્ષણ મંત્રીનો દાવો
સરકારની કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને લઇને વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે શિક્ષણપ્રધાનની હાજરીમાં જ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદના જાસપુરમાં જિલ્લા શાળા સંચાલક મંડળનું અધિવેશન મળ્યું હતું. જેમાં સંચાલકોએ સ્ટેજ પરથી જ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની રજૂઆત શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરને કરી હતી.
Ahmedabad : અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અમદાવાદના જાસપુરમાં મળ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સામે જ સંચાલક મંડળના સભ્યોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા શિક્ષકોની કાયમી ભરતી કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી.
બીજી તરફ શિક્ષણ મંત્રીએ પણ રોકડું પરખાવતા જ્ઞાનસહાયક યોજના વૈકલ્પિક વ્યવસ્થા હોવાનો અને ભવિષ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાનું સરકારનું આયોજન હોવાનું સ્પષ્ટ કર્યું. તેમજ એ પણ જણાવી દીધું કે વિરોધ થવાથી યોજના બંધ ના કરી દેવાય.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી કરતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જ્ઞાન સહાયક યોજનાને લઈ અમદાવાદમાં શિક્ષણમંત્રી સામે જ શાળા સંચાલકોએ અસહમતી દર્શાવી હતી. જાસપુરમાં અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળનું અધિવેશન મળ્યું હતું જેમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો અને શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાનો ચાર્જ સરપંચને
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને એના જ કારણે કાયમી શિક્ષકોની ભરતી થાય એવી માંગ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં જ કરાઈ હતી. કોરાટે મોરબી જિલ્લાના બગસરા તાલુકાના માવ ઝીંઝવાની પ્રાથમિક શાળાનો બનાવ ટાંકી ને જણાવ્યું કે માવ ઝીંઝવામાં વિદ્યાર્થીઓ અને શાળા છે, પરંતુ શિક્ષક નથી.
થોડા દિવસ પૂર્વે એકમાત્ર શિક્ષક હતા, તેમને અન્ય જગ્યા પર નોકરી લાગતા તેઓ શાળા છોડી જઈ રહ્યા હતા ત્યારે ચાર્જ સાંભળવા માટે અન્ય કોઈ શિક્ષક ના હોવાના કારણે શાળાનો ચાર્જ સરપંચને સોંપવો પડ્યો. રાજ્યની શાળાઓની આ સ્થિતિ છે ત્યારે શિક્ષકોની ભરતી કરાર આધારીતને બદલે કાયમી કરવા સ્ટેજ પરથી જ શિક્ષણમંત્રીને રજુઆત કરાઈ.
જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા, શિક્ષકોની કાયમી ભરતી થશે
સંચાલક મંડળે ભરતી અંગે શિક્ષણ મંત્રીને મોઢે જ સંભળાવી દેતા કુબેર ડિંડોરે પણ સંચાલકોને રોકડું પરખાવ્યું હતું. ડિંડોરે જણાવ્યું કે જ્ઞાન સહાયક યોજના કાયમી વ્યવસ્થા નથી, વૈકલ્પિક વ્યવસ્થા છે. સરકાર આગામી સમયે શિક્ષકોની કાયમી ભરતી કરવાની છે.
અગાઉ પ્રવાસી શિક્ષકો હતા એના જેવી જ આ જ્ઞાનસહાયક વ્યવસ્થા છે. મોદી સાહેબ અગ્નિવીર યોજના લાવ્યા ત્યારે પણ દેશમાં વિરોધ થયો હતો. શું વિરોધ થયા બાદ અગ્નિવીર યોજના બંધ થઈ ગઈ? વિરોધ તો ચાલ્યા કરે, આજે યુવાઓ હોશેહોશે આર્મીમાં જોડાય છે.