Ahmedabad: ચાંદખેડા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો પોલીસે ઉકેલ્યો ભેદ, કૌટુંબિક માસાએ જ કરી હત્યા
Ahmedabad: ચાંદખેડા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. મિત્ર સાથે જઈ રહ્યો હોવાનું કહી બહાર ગયેલો યુવક ઘરે પરત ન આવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૌટુંબિક કાકાએ જ યુવકની હત્યા કરી હોવાનો ભેદ ખૂલ્યો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગુમ થયેલ યુવકની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. મિત્ર સાથે જઈ રહ્યો હોવાનું કહી ઘરે પરતના આવેલા યુવકની તેના જ કૌટુંબિક માસાએ નજીવી બાબતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. હત્યા કર્યા બાદ યુવકના માતા-પિતાને આશ્વાસન આપી રહેલા આરોપીની કરતૂતોનો પર્દાફાશ સીસીટીવી ફુટેજ દ્વારા થયો છે. જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાની આશંકા છે. આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાની વિગત અનુસાર શહેરના ન્યુ સીજી રોડ પર રહેતો દીપસિંહ ઉર્ફે સાહિલ પવાર નામનો યુવક 29મી જાન્યુઆરીએ મોડી સાંજે મિત્ર સાથે બહાર જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા પણ યુવકની કોઈ ભાળ ન મળતા આખરે તેના પરિવારજનોએ ચાંદખેડા પોલીસને આ બાબતની જાણ કરી હતી.
ચાંદખેડા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી, ત્યારે એક સીસીટીવી ફૂટેજ એ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જોકે ચોકાવનારી બાબત એ છે કે આરોપી બીજું કોઈ નહીં, પરંતુ યુવકના કૌટુંબિક માસા જ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દીપસિંહ તેના મિત્રો અને કૌટુંબિક માસા મુકેશસિંહ સાથે રાત્રીના 7:30 વાગ્યાની આસપાસ રોયલ કાફેમાં નાસ્તો કરીને છૂટા પડ્યા હતા. જેથી પોલીસે મુકેશસિંહ રાજપુતની પૂછપરછ શરૂ કરી હતી. આરોપી મુકેશસિંહ શંકાના ડાયરામાં હતો, પરંતુ 26 જાન્યુઆરીએ મુકેશ સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસને 29મી જાન્યુઆરી રાત્રિના 07:45 એક વાગ્યાની આસપાસ ન્યુ સીજી રોડ પર મુકેશસિંહ રાજપુત દીપસિંહને એકટીવા પાછળ બેસાડીને ઝુંડાલ સર્કલ થઈ અડાલજથી ખોરજ કેનાલ તરફ જઈ રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું.
જોકે રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મુકેશ સિંહ એકલો એકટીવા પર ઝુંડાલ સર્કલ તરફ આવી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા. જેથી આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેણે કબૂલ્યું હતું કે તેણે દીપસિંહને જાનથી મારી નાખવાના ઇરાદે અપહરણ કરી ખોરજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ધક્કો મારીને પાણીમાં ફેંકી દીધેલ છે. જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે આ બાબતની જાણ દીપસિંહના પરિવારજનોને ન થાય તે માટે આરોપી પણ તેની સાથે સાથે યુવકની શોધખોળમાં જતો હતો એટલું જ નહીં પોલીસ સ્ટેશને જાણ કરવા માટે પણ સાથે આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ RTOમાં બોગસ પાકા લાયસન્સ કૌભાંડમાં નવો ખુલાસો, 300થી વધુ લાયસન્સ ટ્રાયલ વિના જ નીકળી ગયા
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી એ દિપસિંહને કહ્યું હતું કે હું તારી પાછળ ખર્ચો કરું છું છતાં પણ હું કહું ત્યારે તું કેમ મળવા આવતો હતો. તેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં આરોપીએ આ હત્યા કરી દીધી છે. જો કે આરોપી અને મૃતક વચ્ચે કોઈ સમલૈંગિક સંબંધો હતા કે કેમ તે અંગે પણ પોલીસ એ તપાસ શરૂ કરી છે.