અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો
રાણીપના જીએસટી અંડરબ્રિજની (Underbridge) કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. એએમસી અને રેલવે વિભાગની બેદરકારીને કારણે ચાર વર્ષ બાદ પણ કામ પૂર્ણ થયું નથી.
અમદાવાદ : રાણીપ (Ranip )અને ન્યુ રાણીપને જોડતા જીએસટી અંડરબ્રિજનું (Underbridge)કામ પૂર્ણ ન થતા લોકોએ જાતે જ રસ્તો ખુલ્લો મૂકી દીધો છે. છેલ્લા ચાર વર્ષથી કામ ચાલે છે પણ હજી સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. ફાટક પરની કામગીરી પુરી થઈ ગઈ છે. પણ બંને તરફના રોડની કમગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે. કંટાળેલા સ્થાનિક લોકોએ રોડ બંને તે પહેલાં જ કાચા રસ્તે અંડરબ્રિજ શરૂ કરી દીધો છે.
રાણીપના જીએસટી અંડરબ્રિજની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. એએમસી અને રેલવે વિભાગની બેદરકારીને કારણે ચાર વર્ષ બાદ પણ કામ પૂર્ણ થયું નથી. ફાટકની નીચેની અંડરબ્રિજ તો બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ અંડરબ્રિજની બંને બાજુના રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. અંડરબ્રિજની 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર બંને બાજુના રોડ બનાવવાની 30 ટકા કામગીરી બાકી છે. છેલ્લા બે મહિનાથી રોડ બનાવવાની કામગીરી બંધ છે. કામ બંધ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામ ના થતા લોકોએ જાતે પતરા દૂર કરી અંડરપાસ શરૂ કરી દીધો છે.
જીએસટી ક્રોસિંગ પરથી રોજના હજારો લોકો અવરજવર કરે છે. અંડરબ્રિજની કામગીરી બંધ હોવાથી લોકોને ચાર કિલોમીટર ફરીને જવું પડે છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે અંડરપાસના બંને તરફનો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રેલવે વિભાગ સાથે સંકલનમાં રહીને તાકીદે કામ પૂરું કરવામાં આવશે.આગામી ત્રણ ચાર મહિનામાં કામ પૂર્ણ થઈ જશે.
અંડરપાસ તો બની ગયો છે. પરંતુ બંને બાજુના રોડનું કામ અધૂરું મૂકી દેતા લોકોએ રાહ જોયા વિના જ કાચા રસ્તાને ખુલ્લો મુકીને અન્ડરબ્રિજ શરૂ કરી દીધો છે. ચાર ચાર વર્ષથી કામગીરી ચાલે છે પણ કામ ક્યારે પૂરું થશે તેનો સ્પષ્ટ જવાબ એએમસીના સત્તાધીશો પાસે નથી.
આ પણ વાંચો :Jammu Kashmir: જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર, પીએમ મોદીની મુલાકાત પહેલા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ – પોલીસ