Jammu Kashmir: જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર, પીએમ મોદીની મુલાકાત પહેલા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ – પોલીસ
અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે બે સશસ્ત્ર આતંકવાદીઓની હત્યા સાથે જમ્મુમાં (Jammu) એક મોટો આત્મઘાતી હુમલો અટકાવી દેવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) ડીજીપી દિલબાદ સિંહે કહ્યું છે કે સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદની આત્મઘાતી ટુકડીના બે આતંકવાદીઓને ઠાર છે. આ બંને આતંકવાદીઓએ (Terrorists) સુસાઈડ જેકેટ પહેર્યા હતા. આ જમ્મુમાં શાંતિને ખલેલ પહોંચાડવા અને પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને વિક્ષેપિત કરવાના મોટા ષડયંત્રનો ભાગ છે. આ આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. જેની માહિતી ADGP દ્વારા આપવામાં આવી છે. શુક્રવારે વહેલી સવારે જમ્મુના બહારના ભાગમાં આર્મી કેમ્પની નજીક થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક સૈનિક પણ શહીદ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુંજવાંમાં એન્કાઉન્ટર એવા સમયે થયું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં રાખીને બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં નવ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા ઉપરાંત, અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે અને તેની આસપાસની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં વર્ગો પણ સ્થગિત કરી દીધા છે.
મોટો આત્મઘાતી હુમલો નિષ્ફળ
અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે બે સશસ્ત્ર આતંકવાદીઓની હત્યા સાથે જમ્મુમાં એક મોટો આત્મઘાતી હુમલો અટકાવી દેવામાં આવ્યો છે. અગાઉ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરજ માટે 15 કર્મચારીઓને લઈ જતી બસ પર સવારે 4:25 વાગ્યે ચઢ્ઢા કેમ્પ વિસ્તાર નજીક હુમલો કરવામાં આવ્યો હતો. અર્ધલશ્કરી દળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યો, જેમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર એસપી પાટીલનું મૃત્યુ થયું અને બસમાં સવાર અન્ય બેને ઇજા થઇ.
આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
CISFના એક અધિકારીએ જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી પણ માર્યો ગયો. CISFએ ટ્વીટ કર્યું કે આતંકવાદીઓએ તેના સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ વિસ્તારને ઘેરી લેવા અને સર્ચ ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યા હતા. ADGPએ પત્રકારોને જણાવ્યું કે, બે આતંકવાદીઓ માર્યા ગયા. તેમની પાસે મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો હતો, જે સૂચવે છે કે તેઓ આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા, જેને નિષ્ફળ કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો