Ahmedabad : મ્યુનિસિપલ શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ સાફ સફાઇ, મુખ્ય શિક્ષકને ફટકારાઇ કારણદર્શક નોટિસ
શાળામાં જ નાના ભૂલકાઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાની બાબત સામે આવતા જ સ્કૂલ બોર્ડ વિવેકાનંદનગર ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે.
Ahmedabad : વર્ષો પહેલા ઉઘડતી શાળાએ ગામડાઓમાં શાળાનું મેદાન અને રૂમ વિદ્યાર્થીઓ પાસે સાફ (Cleaning) કરાવવામાં આવતા હતા. એ પરંપરા અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી વિવેકાનંદનગર ગુજરાતી શાળા નંબર-1 માં પણ જોવા મળી. શાળા શરૂ થયાના બીજા દિવસે સવારે બાળકોના હાથમાં ઝાડું પકડાવી સફાઈ કરાવાઈ રહી હતી. ઘટનાનો વિડિઓ વાયરલ (viral video) થતા મનપા સ્કૂલ બોર્ડે શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી છે.
બાળકો પાસે સાફ સફાઇ કરાવતો વીડિયો વાયરલ
35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થતાની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડની હાથીજણ વિસ્તારમાં આવેલ વિવેકાનંદનગર ગુજરાતી શાળા-1માં નાના બાળકો પાસે સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ
એક તરફ સરકાર બાળકોને શાળામાં સારું વાતાવરણ મળે એવા પ્રયત્ન કરતા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો આપી રહી છે અને બીજી તરફ શાળામાં જ નાના ભૂલકાઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાની બાબત સામે આવતા જ સ્કૂલ બોર્ડ વિવેકાનંદનગર ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકાવી ખુલાસો માગવામાં આવ્યો છે.
સ્કૂલ બોર્ડ શિક્ષણાધિકારી લબ્ધીર દેસાઈએ જણાવ્યું કે થોડાક બાળકો વિડિઓમાં સફાઈ કરી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. મુખ્ય શિક્ષકના નોટિસના જવાબ બાદ હકીકતલક્ષી વિગતો જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
નાના બાળકો પાસે સફાઈ કરાવવા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, અભ્યાસ માટે આવતા બાળકો પાસે કામ કરાવવું ચિંતાજનક બાબત છે. શાળાઓમાં સ્વચ્છતા માટે એકપણ રૂપિયાનું પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં નથી આવતું અને એના જ માટે શાળાના આચાર્ય માટે પણ સ્વચ્છતા રાખવી મોટી ચિંતાનો વિષય બન્યો છે. બાળકોને સફાઈ માટે ફરજ પાડવામાં આવે તો એ યોગ્ય નથી પરંતુ બાળકો જાતે સ્વચ્છતામાં જોડાય તો એ સારી બાબત છે. બાળકોને ફોર્સ કરીને સફાઈ ના કરાવવી જોઈએ પરંતુ કેળવણીમાં શ્રમદાન હોય તો એને સ્વીકારી શકાય. સરકાર જાહેરાતોમાં રૂપિયા ખર્ચ કરવા કરતા શાળાઓમાં સફાઈ કરાવે એ જરૂરી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો