અમદાવાદ: લોકસભાની તૈયારીઓમાં શહેર ભાજપમાં દેખાયો સંકલનનો અભાવ, પ્રભારી મંત્રીને બૃહદ બેઠકની ન કરાઈ અગાઉ જાણ, છેલ્લી ઘડીએ બોલાવાયા
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે ગુજરાત ભાજપ ઈલેક્શન મોડમાં આવી ગઈ છે અને તાબડતોબ બેઠકોનો દૌર શરૂ થયો છે. જો કે લોકસભાની 26 એ 26 બેઠકો જીતવાની આક્રમક તૈયારીઓમાં અમદાવાદ શહેર સંગઠનમાં જ સંકલનનો તાલમેળ જોવા નથી મળી રહ્યો. ભાજપની આજની બૃહદ બેઠકની પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને જ જાણ કરાઈ ન હતી.
એક તરફ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમર કસી લેવામાં આવી છે તે જ મામલે આજે અમદાવાદ શહેર ભાજપની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ દ્વારા સંગઠનનો અભાવ જોવા મળ્યો. હકીકતમાં વાત એવી છે કે અમદાવાદના દિનેશ હોલમાં બૃહદ કારોબારી માટે એક તરફ બેઠકમાં તમામ ધારાસભ્યો ,પ્રભારી, કાઉન્સિલરો ઉપરાંત સંગઠનના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.
જેમને ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન કરવાના હતા. પરંતુ આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ભાજપ દ્વારા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને જ આમંત્રણ આપવાનું ભુલાઈ ગયું જે બાદ બેઠક શરૂ થયાના ગણતરીના કલાકો પહેલા યાદ આવતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને મનાવીને બોલાવવામાં આવ્યા.
પ્રભારી મંત્રીને જ આમંત્રણ આપવાનુ ચુકી ગયુ શહેર ભાજપ સંગઠન
નારાજ થયેલા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સંગઠનના કામ માટે તરત જ દોડી તો આવ્યા પરંતુ બેઠકમાં પહોંચતાની સાથે જ અમદાવાદ શહેર પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો અને ઠપકો પણ આપ્યો. ઋષિકેશ પટેલના શાબ્દિક પ્રહાર બાદ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા એવી ખાતરી આપવામાં આવી કે હવે ભવિષ્યમાં શહેરની તમામ બેઠક અથવા કોઈપણ આયોજન એ ભલે નાનામાં નાનું આયોજન કેમ ન હોય પરંતુ તેમને વિનાચૂક આમંત્રણ આપીને બોલાવવામાં આવશે. જ્યારે આ સમગ્ર મામલે તેમને સવાલ પૂછતા હાથ જોડીને ચાલતી પકડી હતી અને હવે આ સમગ્ર નારાજગી બહાર આવતા શહેર ભાજપ દ્વારા “તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ” નીતિ પકડીને આગળ ચાલવાનું પસંદ કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘડીએ બોલાવાતા પ્રભારી મંત્રી લાલઘુમ થયા હોવાની ચર્ચા- સૂત્ર
લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ સંગઠન આક્રમક રીતે કામ કરી રહ્યું છે અને તમામ બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવા તથા માઈન્સ બુથો પર વધુ અસરકારક રીતે કામ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં ખૂબ જ મહત્વની એવી શહેર ભાજપ કારોબારી બેઠકમાં આટલી મોટી ભૂલ થતા સંગઠનના મેનેજમેન્ટ ઉપર સવાલો ઉભા થયા છે, જ્યારે આ મામલે પત્રકાર પરિષદ કરવા આવેલા સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપમાં કોઈ નારાજગી નથી ગમે તેને ગમે ત્યારે બોલાવવામાં આવે ત્યારે તેને હાજર થવાનું હોય છે. સમગ્ર મામલે સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ દ્વારા શહેર ભાજપની ટીમને આ મામલે ઠપકો આપવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો