Ahmedabad : ટેક્ષ નહી ભરનાર સામે કલેકટર દ્વારા બોજાની નોંધણી પ્રક્રિયા શરૂ
પ્રોપર્ટી ટેક્ષ નહી ભરનાર લોકો સામે હવે તંત્ર કડકાઇ દાખવી રહ્યું છે. જેમાં બાકી વેરાની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલક્ત ક્લેક્ટરના રેકોર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની રકમને બોજા તરીકે નોંધવામાં આવે છે.
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. દરેક મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્ષનું બીલ તેમજ ડિમાન્ડ નોટિસ આપવામાં આવે છે, તેમ છતાં ઘણા કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવતો નથી. આવા પ્રોપર્ટી ટેક્ષ નહી ભરનાર કરદાતાઓને છેલ્લી ચેતવણી નોટિસ બજાવવામાં આવે છે. તેમજ GPMC એક્ટની કલમ 42,43 મુજબ ટાંચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી મિલકત સીલ કરવામાં આવે છે. ત્યારપછી GPMC એક્ટની જોગવાઇ હેઠળ મિલકતની હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરાય છે.
આ પ્રકારની કામગીરી નિયમિત રીતે ટેક્ષ ખાતા દ્વારા કરવામાં આવે છે
હરાજીની જગ્યાએ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલક્ત ક્લેક્ટરના રેકોર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની રકમ બોજો તરીકે નોંધવામાં આવે છે. જેના કારણે પ્રોપર્ટી ટેક્ષની રકમ વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઇ ન થાય ત્યાં સુધી ક્લેક્ટરના રેવન્યુ રેકર્ડમાં જે-તે મિલક્તમાં કોઈ ફેરફાર થઈ શકશે નહિ.
જે કામગીરી અંતર્ગત અગાઉ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બંધન પાર્ટીપ્લોટ, પશ્ચિમઝોનમાં હાઇલેન્ડ હોટેલ તથા પૂર્વઝોનમાં ચાણક્ય બિલ્ડકોન પ્રા.લી.ની ત્રણ મિલકતો મળી કુલ પાંચ મિલકતોમાં બોજો નોંધાયેલ છે.
- માલિક / કબજેદાર નું નામ – પારિજાત મધુબન એસોસીએસન
- બાકી ટેક્ષ રૂ. 11,98,498
સદર મિલકતધારક દ્વારા હજી સુધી ટેક્ષ ભરપાઇ કરવામાં નહીં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. તેથી ઝોનલ ડે.મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બોજો નોંધાવવાનો ઓર્ડર કરવામાં આવેલો છે અને તેને આધારે સદર મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજો (કાચી નોંધ ) દાખલ કરવામાં આવેલ છે. સદર બોજો નોંધાયાના 30 થી 60 દિવસની અંદર કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહે છે અને જો આ સમયગાળા દરમ્યાન સદર મિલકતનો ટેક્ષ ભરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઇસ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવામાં આવશે.