અમદાવાદ શહેરમાં અહીં વગર ચોમાસે છે ચોમાસા જેવી સ્થિતિ, રસ્તા પર ભરાયા ગટરના પાણી
અમદાવાદ શહેરમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને શિયાળાની પણ શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ શહેરમાં હજુ પણ ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ વાત છે શહેરના છેવાડે આવેલ ઘુમા ગામની. ઘુમા ગામ કે જે છેલ્લા થોડા વર્ષ પહેલાં જ કોર્પોરેશનમાં ભળ્યું છે. જે ઘુમા ગામ અને આસપાસના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કામગીરી પણ કરવામાં આવેલી છે. આમ છતાં પણ ઘુમા ગામના લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના ઘુમા ગામમાં લાલ ગેબી આશ્રમ થી ઘુમા ગામમાં જતા મુખ્ય માર્ગમાં વરસાદી નહીં પરંતુ ગટરોના પાણી ભરાયા છે. જ્યાં ગટર બેક મારતા રસ્તા પર પાણી પાણી થયું હતું. ગટરના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે.
લાલગેબી આશ્રમથી ઘુમા ગામના રસ્તામાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે અને તેમાં પણ સૌથી વધારે કળશ ફ્લેટના રહીશો પરેશાન છે. કેમ કે ફ્લેટ ના ગેટ પાસે જ ઢીંચણ સમા પાણી ભરાયા જેવી પરિસ્થિતિ છે. ગટર લાઈનમાં ખામી સર્જાતા સવાર થી લઈને બપોર સુધી રસ્તા પર ગટરના પાણી ભરાયેલા રહે છે અને તે પણ આજ કાલ ના નહિ પરંતુ છેલ્લા 10 થી 15 દિવસ થી આ સમસ્યા હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે.
ગટરના પાણી બેક મારવા અને રસ્તા પર તે પાણી ભરાવાની સમસ્યાની સ્થાનિકોએ ઓનલાઈન અને મૌખિક રીતે amcને રજૂઆત અને ફરિયાદ કરી છે. છતાં પણ તેમની આ સમસ્યાનો કોઈ નિકાલ આવી નથી રહ્યો. જે ગટરના પાણી અને ગંદકીના કારણે વિસ્તારમાં બીમારી ફેલાઈ રહી છે. જ્યાં કેટલાક નાના ભૂલકાઓ પણ બીમાર પડ્યા છે.
એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર પાણી ભરાય છે તેની નજીક આંગણવાડી પણ આવેલી છે. જ્યાં નાના ભૂલકાઓ આવતા હોય છે. તેઓને પણ આ ગટરના પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે. તો સ્થાનિકોને વાહન લઈને પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે. તેમજ ચાલીને પસાર થવામાં વધુ હાલાકી પડી રહી છે. અને આ માટે એક ફ્લેટ નહિ પણ તે રસ્તાને જોડતા તમામ વિસ્તારના રહીશો ની આ વાત અને ફરિયાદ છે.
એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર ગટરના પાણી ભરાયા છે. ત્યાં કચરાનો ઢગલો પણ જોવા મળે છે. તે ઢગલો પણ કોર્પોરેશન દ્વારા ઘણા દિવસથી દૂર ન કરાયો અને જ્યારે ઢગલો દૂર કરાયો ત્યારે તે જગ્યા પાસે amcનું એક બેનર પણ લગાવવામાં આવ્યું.
આ પણ વાંચો : રિવરસાઈડ સ્કૂલ ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઈઝીસ 2023’ ની ઈનોવેશન કેટેગરીમાં વિજેતા બની
સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે ચૂંટણી આવે ત્યારે કાર્યકરો અને નેતા દેખાય છે પણ ચૂંટણી બાદ કોઈપણ ફરકતું નથી. અને આવી સમસ્યા આવે અને ધ્યાન દોરવામાં આવે તો કોઈ સાંભળતું પણ નથી. ત્યારે સ્થાનિકો એ ગટરના પાણીની સમસ્યા નો તવરીર નિકાલ લાવવા માંગ કરી છે. જેથી સમસ્યા દૂર થાય અને તેનાથી ફેલાતી બીમારી પણ અટકાવી શકાય.