Ahmedabad: ઉત્તરાયણમાં તમારી મજા નિર્દોષો માટે ન બને સજા, જીવદયા સંસ્થાઓ આજે ખડે પગે
આ હેલ્પલાઈન (Help line) નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો, જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોની સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે.
ઉત્તરાયણના પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ જશે. જોકે પતંગ ચગાવવાની મજા સાથે સાથે કોઈને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને અબોલ પક્ષીઓને દોરીથી થતા નુકસાન માટે કેટલીક સંસ્થાઓ, જે કામ કરે છે તે સાચે જ સરાહનીય છે, ઉતરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે શહેરમાં કેટલીક જીવદયા સંસ્થાઓ કાર્યરત છે જેના કાર્યકરો ઉતરાયણમાં ખડેપગે રહેશે.
જો કે સારી વાત એ છે કે જીવલેણ દોરીથી ઘવાયેલા પક્ષીઓની વ્હારે આવી છે એ સંસ્થાઓ જે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ અને NGO આ ઘાયલ અબોલ જીવોની સારવાર કરે છે. આવી જ એક સંસ્થા એટલે આંબાવાડી પાંજરાપોળમાં આવેલી જીવદયા ચેરીટેલબ ટ્રસ્ટ. જે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરે છે.
365 દિવસ, 24 કલાક અબોલોની સેવા કરતી આ સંસ્થા ઉત્તરાયણના સમયમાં ઓપરેશન થિયેટર અને ઓપરેશન ટેબલ સહિતની વ્યવસ્થા ઉભી કરે છે. આ વર્ષે પણ આ સંસ્થા તરફથી 30થી વધુ ઓપરેશન ટેબલ, 100થી વધુ ડોકટર, 200 વોલેન્ટીયર અને એમ્બ્યુલન્સ વાન પણ તૈયાર કરાઈ છે.
અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે આ સંસ્થામાં ઘાયલ પશુ-પક્ષીઓની સંખ્યા વધી જાય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘવાયેલા પશુ-પક્ષીઓના આંકડાઓ પર નજર કરીએ તો
2015માં 2,808 2016માં 3,173 2017માં 3,252 2018માં 3,149 2019માં 4,200 2020માં 4,100 2021માં 3,300 અને 2022માં 4,000 ઉપરાંત કેસ નોંધાયા હતા
ચિંતાનો વિષય એ છે કે વર્ષ 2015થી 2022 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જો કે 80 ટકાથી વધુ અબોલ પક્ષીઓને બચાવી લેવામાં આવે છે અને આ તો માત્ર એક જ જીવદયા સંસ્થાનો આંકડો છે. આ ઉપરાંત 40થી વધુ સંસ્થાઓ છે, જે અબોલની સારવાર કરે છે. જેના આંકડાઓ પણ ચિંતાજનક છે. આ જ કારણ છે કે દર વર્ષે જીવદયા સહિતની સંસ્થાઓ લોકોને અપીલ કરે છે કે તમારી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન રાખો. આપણી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન આપણે જ રાખવું પડશે.
વિવિધ સંસ્થાઓના હેલ્પલાઈન નંબર
સરકારી કરુણા હેલ્પલાઈન નંબર- 1962 ફાયર બ્રિગેડ નંબર- 101 ઇમરજન્સી નંબર- 108 જીવદયા સંસ્થા નંબર- 78781-71727
આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોનો સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. જેના થકી દર વર્ષે ઘાયલ થતા પશુ-પક્ષીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય. ત્યારે જ આપણે ખરા અર્થમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી ગણાશે.