અમદાવાદ સાયબર ક્રાઈમની ઓનલાઈન ફ્રોડ સામે લાલ આંખ ઓનલાઈન ફ્રોડથી બચવા આટલી બાબતોનુ રાખો ખાસ ધ્યાન
Ahmedabad: ઓનલાઈન ફ્રોડ કરી લોકોને પોતાની જાળમા ફસાવતી એપ્લિકેશન અને વેબસાઈટ સામે અમદાવાદ સાઈબર ક્રાઈમે કડક પગલા લીધા છે અને આવા પગલા લેનારી અમદાવાદ સાઈબર ક્રાઈમ દેશનું પ્રથમ પોલીસ મથક બની છે.

હવે કોઈ પણ એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન લેતા પહેલા સોવાર વિચારજો. ચેતજો. નહીં તો આવી લોનથી તમારું બેન્કનું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. જો કે આ રીતે લોકોને જાળમાં ફસાવતી એપ્લિકેશન અને વેબસાઈટ વિરુદ્ધ અમદાવાદ સાઇબર ક્રાઇમે કડક પગલા લીધા છે અને આવા પગલા લેનારી અમદાવાદ સાયબર ક્રાઈમ દેશનું પહેલું પોલીસ મથક બન્યું છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ હાલ એવી એપ્લિકેશન અને વેબસાઇટ શોધી રહી છે, જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે અને લોકો નજીવી રકમની લોન મેળવી પોતાના બેન્ક એકાઉન્ટ અથવા ડેટાને જાહેર કરી દે છે. એપ્લિકેશન કે વેબ મારફતે નજીવી રકમની લોન લીધા બાદ મોબાઈલ ડેટા લીક થયો અને ફોટો મોર્ફ કરી બ્લેકમેઇલ કરવામાં આવતા હોવાની રોજની 5થી 8 અરજીઓ સાયબર ક્રાઈમ પાસે આવે છે. જેના આધારે સાયબર ક્રાઇમ આવી એપ્લિકેશન અને વેબસાઈટ્સને શોધી શોધીને તેના પર રોક લગાવી રહી છે.. સાયબર ક્રાઈમ આવી ચારથી પાંચ હજાર એપ્લિકેશન અને વેબસાઈટ પર રોક લગાવી ચૂકી છે.. અને હજી પણ આ ઝુંબેશ ચાલી રહી છે..
લોનના નામે પૈસા પડાવતી આવી એપ્લિકેશન અને વેબસાઈટથી બચવા શું કરશો તે પણ જાણી લો
- લોન, ઇન્વેસ્ટ અને ગેમીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ ન કરો
- એપ્લિકેશન ડાઉનલોડ કરવા ગૂગલ સ્ટોરનો ઉપયોગ કરો
- એપ ડાઉનલોડ કરતી વખતે રિવ્યૂ આરબીઆઈ રજીસ્ટર્ડ ચકાસો
- એપ્લિકેશન વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે નહીં તે તપાસો
આ ઉપરાંત જ્યારે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે વિવિધ પ્રકારની પરમિશન આપતા પહેલા પણ ધ્યાન રાખો કારણકે આ પરમીશન આપીને તમે તમારો જ અંગત ડેટા જાહેર કરો છો. જેમકે
- કેમેરાની પરવાનગી આપી હશે તો ફોટો સર્વર પર મોકલી શકે છે અથવા મોર્ફ કરી દુરુપયોગ કરી શકે છે
- SMSની પરવાનગી આપી હશે તો બેંકીંગના મેસેજ રાઇટ કરી શકે
- લોકેશનની પરમીશન આપી હશે તો તમારી હિલચાલ પર નજર રાખી શકે છે
- માઇક્રોફોનની પરમીશન આપી હશે તો એપ બંધ હોવા છતાં વાતો સાંભળી શકે છે
- કોન્ટેક્ટ્સની પરમીશન આપી હશે તો સર્વર પર સ્ટોર કરી શકે છે
તો આવી એપ્લીકેશન શોધી શોધીને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ તેને દૂર કરી રહી છે. જો કે આ માટે લોકોએ પણ એટલું જ જાગૃત થવું જરૂરી છે. તેથી જ સાયબર વિભાગ પણ આવી શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધ રહેવાની સલાહ આપે છે.
ઈનપુટ ક્રેડિટ- હરીન માત્રાવડીયા- અમદાવાદ