Ahmedabad: 77માં સ્વાતંત્ર્ય પર્વની કોંગ્રેસ કાર્યાલયે રંગેચંગે ઉજવણી, શક્તિસિંહે ધ્વજવંદન કરી આપી શુભેચ્છા
Ahmedabad: દેશભરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ત્રિરંગો ઝંડો લહેરાવ્યો હતો અને દરેક રાજ્યવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.
Ahmedabad: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પ્રદેશ કાર્યાલયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તેમના સંબોધનમાં શક્તિસિંહે જણાવ્યુ કે, સ્વતંત્રતા દિવસની સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.
હજુ આપણે આર્થિક આઝાદી મેળવવાની બાકી છે- શક્તિસિંહ
વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે આ દિવસ આપણા બહાદુર નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ચિહ્નિત કરે છે. જેમણે દેશવાસીઓ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. દેશના ઘડવૈયાઓ, પૂર્વજોએ માત્ર રાજકીય આઝાદીની કામના નહોતી કરી તેમણે સામાજીક અને આર્થિક આઝાદીની પણ સંકલ્પના કરી હતી. આજે જ્યારે ગુજરાતમાં આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. એકતરફ કરોડો અબજો રૂપિયાની ધનસંપત્તિના લોકો હોય તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે પરંતુ શ્રીમંતો અને ગરીબો વચ્ચેનો ભેદ ઓછો ન થાય તે દર્શાવે છે કે, હજુ આપણને આર્થિક આઝાદી નથી મળી. તેવી જ રીતે સમાજ-સમાજ વચ્ચે સમન્વય, સમરસતા, પ્રેમ, ભાઈચારો હોય તે જરૂરી છે.
પૂર્વજોનો આભાર- શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરતા જણાવ્યુ કે દેશી રજવાડાઓને એકત્ર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ત્રિરંગાને સન્માન આપ્યુ. સરદાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ જેટલા લાંબા સમય સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે દેશમાં સોય પણ બનતી ન હતી. આજે દેશમાં સેટેલાઈટ, હવાઈજહાજ બની રહ્યા છે. દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવ્યો. આજે દેશમાં નફરત ફેલાવનારા તત્વો તક સાધી રહ્યા છે. ત્યારે દરેક કોંગ્રેસી ખેડૂતો, મહિલાઓ, યુવાનો, પછાત સમાજ, આદિવાસી, ગરીબો, સામાન્ય અને મધ્યમવર્ગ માટેના હક્કોના અધિકારોની લડાઈ લડવા કટિબદ્ધ છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો