અમદાવાદ મ્યુ.કો હસ્તકની 1800 ઈમારતો પર રૂફ- ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે
'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. પ્રથમ ચરણમાં 400 બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે 5.50 કરોડના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ કામગીરી આગામી ચોમાસાની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રેઇન વોટર કન્ઝર્વેશન માટે આરંભાયેલ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
1800 ઇમારતો પર રૂફટોપ રેઇનવોટર હાર્વેસ્ટિંગ
આ પહેલ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલી વિવિધ ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ્સ, મ્યુનિ.શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર્સ, લાઇબ્રેરીઝ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન્સ, ડ્રેનેજ પંપિંગ સ્ટેશન્સ વગેરે જેવી આશરે 1800 ઈમારતોના રૂફ-ટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આગામી 1.5 વર્ષના સમયગાળામાં ઇન્સ્ટોલ્ડ કરી કાર્યરત કરવામાં આવશે.
પાણી સંરક્ષણ અને ભૂગર્ભજળ સ્તરમાં થશે સુધારો
આમ, દરેક ઈમારતોના ધાબા પર ભરાતાં વરસાદી પાણીને બહાર વહી જતું અટકાવી, આ વરસાદી પાણીને ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરી, તેને જે-તે ઈમારતોની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં અથવા જે-તે કેમ્પસમાં જો હયાત બોરવેલ કે પરકોલેશન વેલ હોય તેમાં પરકોલેટ કરી, ગ્રાઉન્ડ વોટરના જળ સ્તર ઊંચા લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ ચરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 400 બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે 5.50 કરોડના ખર્ચે આવી રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ચોમાસાની ઋતું પહેલાં પૂર્ણ કરવામાં આવશે.
આ કામગીરી થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક રીતે આપવામાં આવતાં પાણી પુરવઠાનું નર્મદાનું પાણી બચાવી શકાશે તેમજ જમીનના જળ સ્તર ઊંચા લાવી બોરના પાણીની ગુણવત્તા સુધારી શકાશે.