Ahmedabad: YMCA ક્લબ સામે છેતરપિંડીના આક્ષેપ, તુલિપ સ્કૂલે રાખેલા ગરબાના 3 હજાર પાસ બારોબાર વેચી મારવાનો આરોપ-Video
Ahmedabad: અમદાવાદની નામી YMCA ક્લબ સામે છેતરપિંડીનો આક્ષેપ થયો છે. ગરબા આયોજનને લઈને YMCA દ્વારા છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ તુલિપ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે. તુલિપ સ્કૂલ તરફથી છઠ્ઠા નોરતે YMCA કલબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ફક્ત તુલિપ સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના સ્ટાફ અને તુલિપના મહેમાનો માટે કરવામાં આવ્યું હતું. જે માટે વિશેષ પાસ તૈયાર કરવામાં આવ્યા હતા, જે પાસ પર વેચાણ માટે નહીં હોવાની સૂચના પણ લખવામાં આવી હતી. છતાં YMCA ક્લબ તરફથી લોકોને આ પાસ વેચવામાં આવ્યા હોવાનો આક્ષેપ તુલિપ તરફથી કરવામાં આવ્યો છે.
Ahmedabad: અમદાવાદ શહેરની નામી YMCA ક્લબ ગરબા આયોજનને લઈ વિવાદમાં આવી છે. તુલિપ સ્કૂલ દ્વારા છઠ્ઠા નોરતે YMCA કલબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે તેમના પાસ વેચવામાં આવ્યા હતા. જો કે ગરબા શરૂ થાય એ પૂર્વે તુલિપ દ્વારા આપવામાં આવેલ પાસ સિવાય અન્ય YMCA એ વહેંચેલા પાસધારકો પણ પહોંચતા ગરબા રદ્દ કરવાની નોબત આવી હતી. આ ઘટના બાદ તુલિપ સ્કૂલના સંચાલકોમાં ભારે રોષ છે અને સંચાલકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.. YMCA તરફથી જે લોકોને પાસ વેચ્યા છે, તેવા લોકોને પણ આગળ આવવાની અપીલ સ્કૂલ સંચાલકે કરી છે. આ અંગે તુલિપ તરફથી YMCA ક્લબ સામે ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવાઈ છે.
તુલિપ સ્કૂલે YMCA પાસેથી ખરીદ્યો હતો એક દિવસનો ગરબાનો સ્લોટ
અમદાવાદની જાણીતી YMCA કલબનું નામ પણ આ છેતરપીંડીમાં સામે આવી રહ્યું છે. શુક્રવારે YMCA કલબમાં તુલિપ સ્કૂલ દ્વારા તેમના મહેમાનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ અંગેના પાસ તુલિપ સ્કૂલે છપાવી મહેમાનોને આપ્યા હતા. રાત્રે ગરબા શરૂ થાય એ પૂર્વે YMCA કલબ બહાર પાસ અપાયા હતા એના કરતાં અનેકગણી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જે અંગે પાસ તપાસતા તુલિપ સ્કૂલ દ્વારા આપવામાં આવેલ પાસ સિવાયના અન્ય પાસધારકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચતા અફરાતફરી મચી અને ગરબા બંધ કરવા પડ્યા હતા. તુલિપ સ્કૂલ દાવો કરી રહ્યું છે કે અમે એક દિવસના ગરબાનો સ્લોટ YMCA કલબ પાસેથી ખરીદ્યો હતો. જેમાં માત્ર તુલિપના જ મહેમાનો હાજર રહે એ શરત થઈ હતી. જો કે YMCA કલબે અન્ય ત્રણ હજાર જેટલા પાસ વેચી છેતરપીંડી કરી છે.
YMCA ક્લબે નોટ ફોર સેલ લખેલા પાસ બારોબાર વેચી માર્યા હોવાનો આરોપ
શુક્રવારે રાત્રે કલબની ક્ષમતા કરતા વધારે ભીડ એકત્રિત થતા ગરબા રદ્દ કરવા પડ્યા હતા. ત્યારબાદ તુલિપ સ્કૂલે YMCA કલબે વેચેલા પાસ એકત્રિત કર્યા તો બે હજાર પાસ નો ઢગલો થઈ ગયો. તુલિપ સ્કૂલ YMCA કલબ સામે છેતરપીંડીની ફરિયાદ પણ નોંધાવશે. તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક તેજસ શ્રીધરે જણાવ્યું કે અમે YMCA કલબમાં શુક્રવારના ગરબા માટેનું પેમેન્ટ આપ્યું હતું અને એક્સક્લુસીવ તુલિપ પરિવાર માટે જ ગરબાનું આયોજન કરાયું હતું. જો કે અમારી સાથે YMCA કલબે છેતરપીંડી કરતા ત્રણ હજાર જેટલા અલગથી પાસ છપાવી વેચી માર્યા હતા. જેના પર નોટ ફોર સેલ લખ્યું હોવા છતાં વેચાણ કરવામાં આવ્યું હતું. ક્ષમતા કરતા વધારે ભીડ એકત્રિત થતા અમારે ગરબા રદ્દ કરવા પડ્યા હતા. આ બાબતે YMCA કલબ સાથે વાતચીત કરવા પ્રયત્ન કરતા છેતરપીંડી વિવાદમાં મીડિયા સમક્ષ કંઈપણ બોલવા ઇન્કાર કરાયો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો